પાંચ દિવસ પહેલા વડોદરાના ગુમ થયેલા યુવકની લાશ કાલોલ પાસે નર્મદા કેનાલમાંથી મળી:હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ

તારીખ ૧૩/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વડોદરાના દરજીપુરામાંથી પાંચ દિવસ અગાઉ ગુમ થયેલા યુવકની લાશ કાલોલ નજીક નારણપુરા કેનાલમાંથી મળી આવતા તેની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક કારણ છે.હરણી નજીક દરજીપુરા ખાતે રહેતો ૨૭ વર્ષીય દીપેન પટેલ ગઈ તારીખ ૭મીએ રાત્રે સાસરીમાં જવા માટે કાર લઇ નીકળ્યો હતો. ત્યારબાદ તેનો પત્તો લાગ્યો ન હતો. દીપેન ગુમ થયો હોવાની ફરિયાદ તેના પિતાએ હરણી પોલીસ સ્ટેશને નોંધાવતા તપાસ કરવામાં આવી હતી. દરમિયાન બે દિવસ પહેલા અનગઢ પાસે મહીસાગરમાંથી દીપેનની કાર મળી આવી હતી. જેમાં લોહીના નિશાન હતા. જેથી દીપેનની હત્યા થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. દરમિયાન સીસીટીવીના માધ્યમથી દીપેનની કાર ગોલ્ડન ચોકડી ટોલનાકાથી હાલોલ તરફ જતી નજરે પડતાં વડોદરા શહેર પોલીસની જુદી જુદી ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવી તપાસમાં જોતરાઈ હતી. દરમિયાન કાલોલ ખાતે કેનાલમાંથી દીપેનનો મૃતદેહ મળી આવતા તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે મૃતકના હાથ ઉપર ટેટૂ દોરાવેલ છે. કાલોલ પોલીસે મૃતકની લાશ પીએમ માટે મોકલી આપી છે.વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ બાબતે શકમંદોની પૂછપરછ કરી ઝીણણવટભરી તપાસ આરંભી દેવામાં આવી છે. સાથે દીપેનની કોલ ડીટેલ્સ પણ કઢાવવામાં આવી છે. હત્યાનો ભેદ ઉકેલવા વડોદરા શહેરની વિવિધ ટીમો તપાસમાં જોડાઈ છે.







