
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET) વઘઈ ખાતે વારલી ચિત્રકળા સંવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારા દ્વારા આયોજિત ત્રણ દિવસીય વારલી ચિત્રકળા વર્કશોપ સંપન્ન થયો.તા. ૧૫/૦૫/૨૫ થી તા. ૧૭/૦૫/૨૫ દરમિયાન યોજાયેલા આ વર્કશોપે કલાકારોને તેમની સર્જનાત્મકતાને ઉજાગર કરવા અને વારલી કળાની સમૃદ્ધ પરંપરાને આગળ વધારવા માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરૂ પાડ્યુ હતુ.આજના સમયમાં જ્યારે શાળાઓ અને કોલેજોમાં ચિત્રકલા અને કલાના શિક્ષકોની ઉપલબ્ધતા એક પ્રશ્ન બની રહી છે, ત્યારે આ પ્રકારના વર્કશોપ વિદ્યાર્થીઓ અને કલામાં રસ ધરાવતા લોકો માટે એક આશાનું કિરણ સમાન છે.ટ્રસ્ટના પ્રમુખ યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.વર્કશોપની શરૂઆત પરમ પૂજ્ય સ્વ. જીવ્યા સોમા માહસેને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી,જેમને વારલી ચિત્રકળાના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. તેમની છબી સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને વર્કશોપનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ વર્કશોપમાં આશરે ૨૦ જેટલા કલાકારોએ સક્રિયપણે ભાગ લીધો હતો.આ કલાકારોને વારલી ચિત્રકળાની વિવિધ તકનીકો અને વિષયો અંગે વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં ડાયેટ વઘઈના પ્રાચાર્ય ડૉ. બી.એમ.રાઉતે ઉદ્ઘાટક તરીકે હાજરી આપી હતી અને કલાના મહત્વ પર ભાર મૂક્યો હતો.મુખ્ય મહેમાન તરીકે ચંપકભાઈ પાવાગઢી અને ફાઈન આર્ટ કોલેજ માંડવીના નિવૃત્ત પ્રાધ્યાપક બિપિનભાઈ ચૌધરીએ ઉપસ્થિત રહીને કલાકારોને પ્રેરણા પૂરી પાડી હતી.આ ઉપરાંત, વારલી ચિત્રકળા સંવર્ધન ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ વિપુલભાઈ પટેલ, મંત્રી જીતેન્દ્રભાઈ પરમાર, સહ મંત્રી મહેશભાઈ ચૌધરી, ખજાનચી અનિલભાઈ ચૌધરી અને સભ્ય ફાલ્ગુનીબેન પટેલ પણ આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા.અને તેમણે વર્કશોપને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની હાજરીએ કલાકારોમાં ઉત્સાહ અને જોશ ભર્યો હતો.આ ત્રણ દિવસીય વર્કશોપ દરમિયાન કલાકારોએ આદિવાસી જનજીવન અને તેમની સંસ્કૃતિને દર્શાવતા આશરે ૨૫ જેટલા મનમોહક વારલી ચિત્રોનું સર્જન કર્યું હતુ.આ ચિત્રોમાં આદિવાસીઓની જીવનશૈલી, તેમના રીતરિવાજો, પરંપરાઓ અને પ્રકૃતિ સાથેના તેમના સંબંધોને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યા હતા.અને આખરે કલાકારોને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા..




