
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશભાઈ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૩ જાન્યુઆરી : બાળકોને ઉત્સવો ખૂબ જ પ્રિય હોય છે. તેથી શાળાઓમાં પણ બાળકોની રસ અને રૂચીને ધ્યાને લઇ વિવિધ તહેવારોની આગોતરી ઉજવણી કરવામાં આવતી હોય છે. ઉત્તરાયણ પર્વ નિમિતે નોખાણિયા પ્રા. શાળામાં પણ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાલવાટિકાથી ધો. ૮ના વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષકોએ પણ રંગબેરંગી પતંગો આકાશમાં ઉડાવ્યા હતા અને પેચ લડાવવાની મજા માણી હતી. ગામના યુવા અગ્રણીઓ રાજેશ ચાડ અને પ્રવિણ છાંગા તરફથી તમામ બાળકોને પતંગ અને ફિરકીઓ આપવામાં આવી હતી. શાળાના આચાર્ય હરિસિંહ જાડેજાએ બાળકોને મકરસંક્રાંતિ પર્વનો મહિમા સમજાવ્યો હતો. બાળકો માટે ચિત્ર સ્પર્ધા અને રંગપૂરણી હરીફાઈ પણ યોજવામાં આવી હતી. આયોજનને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો લીલાધર બિજલાણી , બ્રિજેશ બૂચ , કેશુ ઓડેદરા, માનસી ગુસાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.



