AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અમદાવાદ ખાતે ‘ગુજરાત સહકારી મહાસંમેલન-2025’નું ભવ્ય આયોજન, સહકાર ક્ષેત્રે નવા યુગનો પ્રારંભ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત ‘ગુજરાત સહકારી મહાસંમેલન–2025’નો ઉદ્ઘાટન કાર્યક્રમ કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં યોજાયો. આ મહાસંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, સહિતના સહકારી ક્ષેત્રના અગ્રણીઓની વિશેષ હાજરી રહી.

કેન્દ્રિય મંત્રી અમિત શાહે જણાવ્યુ હતું કે દેશભરમાં વર્ષ 2029 સુધીમાં બે લાખથી વધુ નવી પ્રાથમિક સહકારી મંડળીઓ (PACS) રજિસ્ટર કરવામાં આવશે અને ડેરીઓની શરૂઆત કરાશે. તેમણે જણાવ્યું કે સહકારના માધ્યમથી ‘સહકારથી સમૃદ્ધિ’ અને ‘વિકસિત ભારતમાં સહકારની ભૂમિકા’ જેવા સૂત્રોને સાકાર કરવા ગામડાની સહકારી મંડળીઓને મજબૂત બનાવવી સૌથી મહત્વપૂર્ણ છે.

તેમણે પીએમ મોદી દ્વારા સહકાર ક્ષેત્રે કરાયેલાં ઐતિહાસિક પગલાંઓની ચર્ચા કરતાં જણાવ્યું કે હવે સમય છે કે સહકારિતાને માત્ર વ્યવસ્થા તરીકે નહીં, પરંતુ વિકાસના અભિગમ તરીકે અપનાવવી જોઈએ. દરેક ગામની સહકારી મંડળીનું એકાઉન્ટ સહકારી બેંકમાં હોવું જોઈએ, જેથી સહકારી વ્યવસ્થા વધુ પારદર્શક અને અસરકારક બની શકે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું કે આઝાદીનાં 75 વર્ષ પછી દેશે ગુજરાતમાંથી ત્રિભુવન પટેલ યુનિવર્સિટી તરીકે સૌપ્રથમ સહકાર યુનિવર્સિટીની ભેટ મેળવી છે. ગુજરાતમાં 89 હજારથી વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત છે અને 1.70 કરોડથી વધુ સભાસદો આ માળખા સાથે જોડાયેલાં છે. તેમણે જણાવ્યું કે સહકાર ક્ષેત્રે ગુજરાત હવે રાષ્ટ્રીય મોડલ બનશે.

મહાસંમેલનમાં સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે વડાપ્રધાનના નેતૃત્વમાં એક અલગ સહકાર મંત્રાલયની સ્થાપનાથી દેશના છેવાડાના માનવી સુધી વિકાસના અવસર પહોંચ્યા છે. તેમણે જણાવ્યું કે સહકાર એ માત્ર આર્થિક વ્યવસ્થા નહીં પરંતુ સામૂહિક વિકાસનો પાયો છે.

ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષ ઘનશ્યામ અમિને કહ્યું કે આજે PACS જેવી સંસ્થાઓ પરંપરાગત કામગીરીથી આગળ વધીને જન ઔષધિ કેન્દ્રો અને પેટ્રોલ પંપ જેવા વ્યવસાયો ચલાવી રહી છે, જે ખેડૂત અને સભાસદોને સીધો લાભ આપી રહી છે.

આઇસીએ (એશિયા-પેસિફિક)ના ચેરમેન ચંદ્રપાલસિંહ યાદવે જણાવ્યું કે દેશમાં સહકાર મંત્રાલયની રચનાથી સહકારી સંસ્થાઓને નવી દિશા મળી છે અને લોકોનો વિશ્વાસ સહકાર પર વધ્યો છે.

મહાસંમેલન દરમિયાન ‘સહકાર સંકલ્પ’ માર્ગદર્શિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. રાજ્યભરના 4500થી વધુ સહકારી પ્રતિનિધિઓ અને આગેવાનોની હાજરીમાં યોજાયેલ આ મહાસંમેલન ગુજરાતના સહકારક્ષેત્ર માટે સ્તંભરૂપ સાબિત બન્યું.

Back to top button
error: Content is protected !!