BHUJGUJARATKUTCH

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કચ્છમાં ઐતિહાસિક સૌર ઊર્જા પ્રોજેક્ટ્સનું થશે લોકાર્પણ.

રૂ.૨૬૮ કરોડના ખર્ચે બનેલા નખત્રાણા અને ભચાઉના સોલાર પ્રોજેક્ટ્સ થકી કચ્છ બનશે ગ્રીન એનર્જીનું કેન્દ્ર.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ

ભુજ,તા-22 મે : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી હેઠળ કચ્છ જિલ્લો સૌર ઊર્જા ક્ષેત્રે એક મોટી ક્રાંતિનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. વડાપ્રધાનશ્રીના હસ્તે આગામી તા.૨૬ મે ના રોજ કચ્છના ભુજ ખાતેથી અનેક મહત્વપૂર્ણ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, જે રાજ્યની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવશે અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે. આ પ્રોજેક્ટ્સ પર્યાવરણને અનુકૂળ ઊર્જાના ઉત્પાદન દ્વારા સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય માટેના ભારતના સંકલ્પને પ્રતિબિંબિત કરશે.

વડાપ્રધાન શ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવનારા પ્રકલ્પોમાં કચ્છ જિલ્લાના બે મુખ્ય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. જેમાં ભચાઉના લાકડીયા ખાતે રૂ.૨૦૯ કરોડના ખર્ચે ૩૫ મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ તેમજ નખત્રાણાના મંજલ ખાતે રૂ.૫૯ કરોડના ખર્ચે ૧૦ મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ સામેલ છે.

આ પ્રોજેક્ટ ખેતી, ગૌચર કે ગામતળ જેવી ફળદ્રુપ જમીનને ઉપયોગમાં લીધા વગર સરકારી જમીન પર વિકસાવવામાં આવ્યો છે, જેનાથી કિંમતી જમીનની બચત થશે સાથે જ વીજળીના ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશનમાં થતા નુકસાન અને ખર્ચમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. આ પ્રોજેક્ટથી ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ થશે અને તેમને તેમજ અન્ય વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી ઉપલબ્ધ થશે તેમજ પ્રોજેક્ટના દૈનિક સંચાલન અને જાળવણી થકી સ્થાનિક રોજગારીનું સર્જન થશે.

વડાપ્રધાન શ્રી દ્વારા કચ્છ ઉપરાંત જામનગર તથા મોરબી જિલ્લાના સોલાર પ્રોજેક્ટ્સનું પણ કરાશે લોકાર્પણ.

કચ્છ ઉપરાંત, વડાપ્રધાનના હસ્તે અન્ય જિલ્લાઓમાં પણ મહત્વપૂર્ણ સૌર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જાંબુડીયા વીડી ખાતે સરકારી ખરાબાની જમીન પર રૂ.૬૯ કરોડના ખર્ચે ૧૧ મેગાવોટનો સોલાર પ્રોજેક્ટ તેમજ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બબરઝર ખાતે સરકારી ખરાબાની જમીન પર રૂ.૮૮૭ કરોડના ખર્ચે ૨૧૦ મેગાવોટનો વિશાળ સોલાર પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ ગુજરાતને સ્વચ્છ ઊર્જાના ક્ષેત્રે અગ્રેસર બનાવવામાં મદદ કરશે અને વડાપ્રધાનના ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભુજ ખાતેથી રૂ.૫૨ હજાર કરોડથી વધુના ૩૧ વિકાસકામોની ગુજરાતને આપશે ભેટ.

ઉલ્લેખનીય છે કે, ભુજ ખાતે તા.૨૬મી મેના ભુજ-મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી રૂ.૫૨,૯૫૩ કરોડના કુલ ૩૧ વિકાસકામોની ગુજરાતને ભેટ આપશે. કચ્છ, મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, તાપી તથા મહીસાગર જિલ્લાને સમાવતા વિકાસકામોનું વડાપ્રધાનશ્રીના હસ્તે ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત કરાશે. આ કાર્યક્રમમાં રૂ.૨૨૯૨ કરોડના ૧૭ કામોના લોકાર્પણ તથા રૂ.૫૦,૬૬૧ કરોડના ૧૪ કામોના ખાતમૂહુર્ત સામેલ છે.

Back to top button
error: Content is protected !!