ડાંગ: આજે ૫ મી જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ:સાપુતારા અને કરંજડા ખાતે ઉભા કરાયેલા ‘વન કવચ’ પ્રવાસીઓમા પ્રિય..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વિશ્વમાં દર વર્ષે તા.૫ મી જૂને “વિશ્વ પર્યાવરણ દિવસ” (World Environment Day) ની ઉજવણી કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા શરૂ કરવામાં આવેલ “વિશ્વ પર્યાવરણ દિવસ” જેમાં પર્યાવરણીય પડકારો જેવા કે દુષ્કાળ, ત્સુનામી, અનિયમિત ઋતુઓ અને તાપમાનમાં થઈ રહેલા વધારા વિશે જાગૃતિ લાવવા, તેમજ તેના ઉકેલો શોધવા અને પર્યાવરણના જતન અર્થે પ્રેરણા આપવામાં મદદ કરે છે.

આ વર્ષે “વિશ્વ પર્યાવરણ દિવસ” ઉજવણીની થીમ વિશ્વ સહિત દેશભરમાં “Putting an End to Plastic Pollution” (પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવો) ના સુત્ર સાથે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે. આ થીમનો ઉદ્દેશય છે કે, પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવું. પ્લાસ્ટિકનો પુનઃઉપયોગ અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવું. ટકાઉ વિકલ્પો અપનાવવા અને પ્લાસ્ટિકના ઉત્પાદન અને વપરાશમાં ફેરફાર લાવવો.
વિશ્વ પર્યાવરણ દિવસ’ ની ઉજવણી દ્વારા લોકોને વાતાવરણ, હવા, પાણી, જમીન અને બાયોડાયવર્સિટીના સંરક્ષણ માટેની તાલીમ અને જાણકારી આપવામાં આવે છે. તેમજ વન સરંક્ષણ બાબતે ચર્ચા, જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે.
ગત વર્ષમાં વનપ્રદેશ એવા ડાંગ જિલ્લામા સ્થાનિક વન વિભાગ દ્વારા ગિરિમથક સાપુતારા તેમજ કરંજડા ખાતે વૃક્ષોની જાળવણી માટે વનિકરણ પદ્ધતિને ધ્યાનમાં રાખી જિલ્લામાં ૨ વન કવચ ઉભાં કરાયાં છે.
*બોક્ષ – ૧*
*ડાંગ જિલ્લામાં “વન કવચ” નુ આકર્ષણ*
વસુધૈવ કુટુંબકમની ભાવના તથા ભવિષ્યની તૈયારી સાથે દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળું બનાવવાની નેમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા વ્યક્ત કરવામા આવી છે. આ હેતુથી જાપાનીઝ વનસ્પતિશાસ્ત્રી અકીરા મીયાવાંકીની વનીકરણ પદ્ધતિને લક્ષ્યમાં રાખી, ગુજરાત વનવિભાગ દ્વારા ‘વન કવચ’ વિકસાવવામાં આવી રહ્યા છે.
ડાંગ જિલ્લામાં પણ વન વિભાગ દ્વારા સાપુતારા અને કરંજડા ખાતે “વન કવચ” ઉભાં કરવામાં આવ્યા છે. આ બન્ને “વન કવચ” માં એક હેક્ટર વિસ્તાર દિઠ આશરે ૫૮ જાતના કુલ દસ હજાર જેટલાં વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યુ છે. જે ડાંગ જિલ્લાની પ્રકૃતિને માણવા આવતા પર્યટકો માટે નવા નજરાણા સમાન “વન કવચ” બની ગયું છે.
*બોક્ષ – ૨*
*ઇન્ટર સ્ટેટ અને યુનીયન ટેરેટરી ફોરેસ્ટ પ્રોટેકશનની બેઠક*
તાજેતરમાં જ પર્યાવરણ બચાવવા અંગે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગિરિમથક સાપુતારા ખાતે ‘ઇન્ટર સ્ટેટ અને યુનિયન ટેરેટરી ફોરેસ્ટ પ્રોટેકશન’ ની એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં ગુજરાત-મહારાષ્ટ્ર–દમણ અને દિવ તથા દાદરા નગર હવેલીના ઉચ્ચ વન અધિકારીઓ સાથે પર્યાવરણ સંરક્ષણ બાબતે ગહન ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જંગલને રાષ્ટ્રની સંપત્તિ ગણાવી વન અને પર્યાવરણ બચાવવા, લાકડાની તસ્કરી રોકવા તેમજ વનોને સંરક્ષિત કરવાની દિશામાં કાર્ય કરવા ઉચ્ચ વન અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. રાજ્યભરમાં બિનજરૂરી જંગલની જમીનનું દબાણ દુર કરવા પર પણ તેમણે ભાર મુક્યો હતો.
આ બેઠકમાં ચંદનના વૃક્ષની તસ્કરી રોકવા માટે ગુજરાત સરકાર લેઝર ફેન્સીંગનો પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઇ રહી છે. સાથે જ AI ટેકનોલોજીનો ઉપયોગ કરી લાકડાની તસ્કરી રોકવા અંગે વિચારણા ચાલી રહી છે. ઉપરાંત વિશ્વમાં પ્રથમ ગુજરાત રાજ્યમાં ક્લાઇમેટ ચેન્જની યુનિવર્સિટી બનશે તેમ પણ મંત્રીશ્રીએ વધુ વિગતો સાથે માહિતી આપી હતી.
સાથે જ લાકડાની તસ્કરી રોકવા, અને સસ્તા ભાવે ખેરના લાકડાના વેચાણ ઉપર લાકડાનો ચોક્કસ ભાવ નક્કી કરવા માટે લાકડાની MSP નક્કી કરી નવી નિતી બનાવવા અંગે વિચારણા કરવા માટે પણ મંત્રીશ્રીએ સૂચવ્યું હતું.
*બોક્ષ – ૩*
*ડાંગ વન વિભાગ દ્વારા સ્થાનિકોને પૂરક રોજીરોટી પુરી પાડવામાં આવે છે*
ડાંગની ભૃપૂષ્ઠ જોઈએ તો અંહિની જમીન ડુંગરાળ, ખાડા ટેકરાવાળી છે. જમીનની ઓછી ફળદ્રુપતા અને જરૂરીયાત જેટલુ પાણી નહી મળવાને કારણે, વર્ષમાં ફક્ત એક વાર જ અહીં પાક લઈ શકાય છે. જેમાં, મુખ્યત્વે નાગલીનો પાક લેવામાં આવે છે, જે ચાર માસ પુરતો જ હોય છે. જેથી તેમની ખેતીમાથી ખુબ જ ઓછી આવક મળતી હોય, કુટુબ માટે આ આવક અપુરતી રહે છે.
જે ધ્યાને લઈ વન વિભાગ તરફથી સ્થાનિક લોકોને આખા વર્ષ દરમ્યાન જુદી જુદી યોજનાઓ હેઠળ પૂરક રોજીરોટી પુરી પાડવામા આવે છે.
*માલકી યોજના* :- વન વિભાગ દ્વારા માલકી યોજના સને ૨૦૦૫માં ચાલુ કરવામાં આવી છે. તથા વર્ષ ૨૦૦૫ પછી એકવાર વૃક્ષો કાપવાની મંજુરી આપ્યા બાદ, જે તે ખાતેદારને બીજી વખત આવી મંજુરી પાંચ વર્ષ બાદ જ મળી શકે છે. જે તે વર્ષમાં જેટલી અરજીઓનો નિકાલ કરવામાં આવે, તે પૈકીની વધુમાં વધુ ૨૫ % અરજીઓ કેન્સર, કીડની, વિધવા, નિરાધાર, કે માસ્ટર ડીગ્રી જેવા ઉચ્ચ અભ્યાસ અર્થે, સ્પેશિયલ કેસ તરીકે અગ્રતાક્રમ મુજબ મંજુર કરવામાં આવે છે. માલકી યોજના હેઠળ ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૯૭૦ લાભાર્થીઓને ૩૭.૩૮ કરોડ અને દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ર૯૪૪ લાભાર્થીઓને ૬૪.૬૪ કરોડ મળી બન્ને વિભાગ દ્વારા કુલ ૩૯૧૪ લાભાર્થીઓને કુલ રૂ. ૧૦૪.૦ર કરોડનો લાભ આપવામાં આવેલ છે.
*વનલક્ષ્મી યોજના* :- આ યોજના અંતર્ગત વન વિભાગ દ્વારા વિવિધ લોક ઉપયોગી કામગીરી કરવામાં આવે છે. જેમાં જંગલ સંરક્ષણ અને સંવર્ધન માટે ડાગના સ્થાનિક લોકોનો સાથ સહકાર મળી રહે તે હેતુથી, જે.એફ.એમ.સી., ઈ.ડી.સી.ની રચના કરવામાં આવી છે. આ યોજના થકી ગામોમાં સામુહિક વિકાસના લાભો જેવા કે, જમીન લેવલીંગ, સિંચાઇ માટે લીફટ ઇરીગેશન, દુઘાળા પશુ ગાય અને પીવાના પાણીની સુવિઘાઓ જેવી સામુહિક ગામ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. આ યોજના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં ૧૦૧ જે એફ.એમ.સી. મંડળીઓને કુલ રૂ. ૮૭૫.૯૧ લાખની સહાય આપવામાં આવી છે.
*વાડી યોજના* :- વન વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારોની આજીવિકામાં વધારો થાય, અને તેમનો સર્વાંગીણ વિકાસ થાય તે માટે સહભાગી વન વ્યવસ્થા સાથે, જુદા જુદા વિભાગોની યોજનાઓના સમન્વયથી વન વિભાગ દ્વારા આર્થિક ઉત્કર્ષના કાર્યો હાથ ધરવામાં આવે છે. આ યોજના અંતર્ગત ડાંગ જિલ્લામાં છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન કુલ ૨૦૩૮ લોકોને લાભ આપવામાં આવેલ છે.
*કલસ્ટર યોજના* :- સને ૨૦૧૭/૧૮ થી અમલી આ યોજના હેઠળ, વન વિભાગ દ્વારા પ્રતિ વર્ષ એક કલસ્ટરની પંસદગી કરી ૧૦ થી ૧૨ ગામોને આવરી લેવામાં આવે છે. આ ગામોમાં સર્વે આધારિત સર્વાંગીણ વિકાસના તબકાવાર જુદા-જુદા કાર્યક્રમો હાથ ધરી, સ્થાનિક સ્તરે જ આદિવાસી પરિવારોના આર્થિક ઉત્કર્ષના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. વન વિભાગ દ્વારા કલસ્ટર ડેવલપમેન્ટ યોજના હેઠળ, છેલ્લા પાંચ વર્ષમાં ૧૭૦ ગામોના ૧૩ હજાર ૬૯૧ લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા છે.




