
રાજપીપળા : આતંકવાદ સામેની લડાઈમાં નરેન્દ્રભાઈ મોદીએ “સર્જીકલ સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂર” દ્વારા વિશ્વને “નયા ભારત”ની ઓળખ કરાવી : બાળકૃષ્ણ શુકલ
રાજપીપળા કમલમ ખાતે ભાજપની પત્રકાર પરિષદ, મોદી સાશનના ૧૧ વર્ષની ગાથાનું વર્ણન કરાયું
રાજપીપળા : જુનેદ ખત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સાશન ને ૧૧ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે નર્મદા જિલ્લામાં ભાજપ દ્વારા વિવિધ લોક હિતના કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવનાર છે વિકાસની ગાથા લોકો સુધી પહોંચાડવા પ્રયત્નો કરવામાં આવશે તે સંદર્ભમાં વિધાનસભા દંડક બાળકૃષ્ણ શુક્લ તથા ડૉ .અનિલભાઈ પટેલ અને સાંસદ મનસુખભાઇ વસાવા સહિત ભાજપ અગ્રણીઓએ સંયુકત રીતે રાજપીપળા કમલમ ખાતે પત્રકાર પરિષદ નું આયોજન કર્યું હતું અને માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં સતત ૧૩ વર્ષ મુખ્યમંત્રી તરીકે રાજયના સર્વાંગી વિકાસ અને ગૌરવના સમગ્ર દેશને દિશાદર્શન કરાવ્યાં પછી પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ દરેક ક્ષેત્રમાં ભારતની પ્રગતિ દ્વારા છેલ્લા ૧૧ વર્ષથી વિશ્વમાં ભારતની આન-બાન-શાન વધારી રહયાં છે. ગુજરાતની જનતાને ગૌરવ છે કે, ગુજરાત દેશનું નેતૃત્વ કરે છે.
દિલ્હીમાં પ્રધાનમંત્રી તરીકે આપણાં નરેન્દ્રભાઈ મોદી બેઠાં હોય એટલે કે, મોસાળમાં મૉં પિરસનાર હોય ત્યારે માંગ્યુ હોય તે તો…આપે પરંતુ ન માંગ્યુ હોય તે પણ મોટા પ્રમાણમાં આપીને ગુજરાતને વિશ્વકક્ષાએ મુકી દે છે. પ્રધાનમંત્રી બન્યાં પછીના ૧૭માં દિવસે ગુજરાતની જીવાદોરી એવી નર્મદા ડેમના દરવાજાની મંજૂરી આપી દીધી હતી.જેના કારણે નર્મદાના નીર, નદીઓ, તળાવો, નહેરો દ્વારા ગામે-ગામ, ઘરે-ઘરે, ખેતરે-ખેતરે પહોંચ્યા છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ આપવાની હોય. ક્ચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા હાઈબ્રીડ રીન્યુઅલ એનર્જી પાર્ક હોય કે ભાવનગર ખાતે વિશ્વનો પ્રથમ સી.એન.જી.ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ કરવાનો હોય. વડોદરા ખાતે રેલ્વે યુનિવર્સિટીની સ્થાપના કરવાની હોય કે પછી ગુજરાતની વિશ્વ વિખ્યાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષાશક્તિ યુનિવર્સિટી રાષ્ટ્રીય દરજ્જો આપવાનો હોય. દાહોદમાં ઈલેક્ટ્રીસીટી મોટોવેટીવ મશીન ઉત્પાદન એકમનું લોકાર્પણ કરવાનું હોય. રાજકોટ ખાતે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ તેમજ એઈમ્સ હોસ્પિટલ આપવાની હોય. સુરત ખાતે વિશ્વના સૌથી મોટા હબ ડાયમંડ બુશનું લોકાર્પણ કરવાનું હોય.આવા તો અનેક પ્રોજેકટો અને યોજનાઓ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને કારણે ગુજરાતને મળ્યાં છે.
સૌના સાથ-સૌના વિકાસના સુત્ર સાથે જનકલ્યાણની અનેક યોજનાઓ યોગ્ય લાભાર્થીઓને પહોંચે તે માટે ડી.બી.ટી.દ્વારા કાયમી સિસ્ટમ ગોઠવી. જેનાથી ૪૪ લાખ કરોડ રૂ.નું વિતરણ કરવામાં આવ્યું. ભૂતિયા અને ખોટા લાભાર્થીઓને દૂર કરીને ૩.૪૮ લાખ કરોડની બચત કરવામાં આવી અને ૫.૮૭ કરોડ અયોગ્ય રેશનકાર્ડ અને ૪.૨૩ કરોડ નકલી અને ખોટા એલ.પી.જી.ગેસ કનેકશન દૂર કરવામાં આવ્યાં.
વધુ માં બાળકૃષ્ણ શુક્લ એ જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી મોટી હેલ્થકેર યોજના (મોદી કેર) આયુષ્યમાન ભારતમાં ૫૫ કરોડ લોકોને ૦૫ લાખ રૂ.સુધીની (ગુજરાતમાં ૧૦ લાખ કાર્ડ) મફત સારવાર માટે કેસલેશ PMJAY કાર્ડ આપવામાં આવ્યાં છે.
ભારતમાં મજબુત ઈન્ફ્રાસ્ટકચર માટે રાષ્ટ્રીય રાજમાર્ગ કુલ 1,46,204 કિ.મી.કરીને વિશ્વમાં ભારત રોડ-રસ્તાના નેટવર્કમાં બીજા સાથે પહોંચ્યું છે. દરરોજ 34 કિ.મી.હાઈવેનું નિર્માણ થાય છે.ભારતનું રેલ્વે નેટવર્ક 67,415 કિમી દ્વારા વિશ્વમાં ચોથા સ્થાને છે. 200 વંદે ભારત ટ્રેન, 100 અમૃત ભારત ટ્રેન, 50 નમો ભારત રેપિડ ટ્રેન કાર્યરત છે. વિશ્વનો સૌથી ઊંચો ચિનાબ બ્રીજથી લઈને અનેક બ્રીજોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમદાવાદ થી મુંબઈ બુલેટ ટ્રેન પુરજોશમાં ચાલું છે. એ પૂર્ણ થશે ત્યારે 350 પ્રતિ કલાકેની સ્પીડે અમદાવાદથી મુંબઈ 2.15 કલાકની અંદર પહોંચાશે. ભારતમાં એરપોર્ટની સંખ્યા 74થી વધીને 2025 સુધીમાં 160 એરપોર્ટ થયાં છે. 86 નવા એરપોર્ટ અને 88 સ્થળોને જોડવામાં આવ્યાં. દેશમાં 111 જળમાર્ગો દ્વારા પરિવહન થઈ રહ્યું છે. સાગરમાલા પ્રોજેકટ હેઠળ 1208 મોટા બંદરોને વિકસિત કરવામાં આવી રહ્યાં છે.
રાષ્ટ્ર પ્રથમના મંત્રને લઈને કાશ્મીરમાંથી 370 અને 35-એ કલમ દૂર કરીને સરદાર પટેલ અને ડૉ.શ્યામાપ્રસાદ મુખર્જીના “એક ભારત”ના એક સુત્રને સાકાર કર્યું છે. સી.એ.એ. કાનૂન દ્વારા પાકિસ્તાન બાંગ્લાદેશ અને, અફધાનિસ્તાન માંથી આવેલ ભારતીય લધુમતિઓને (હિંદુ શરણાર્થીઓ) ભારતનું નાગરિકત્વ આપવાનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે.યુ.સી.સી.એટલે કે, લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા અને મિલકતની વહેંચણી જેવી બાબતોમાં તમામ નાગરીકો માટે સમાન કાયદો કરવા કેન્દ્રની ભાજપ સરકાર કટિબદ્ધ છે.
સાંસદ મનસુખભાઇ વસાવા એ વઘુમાં જણાવ્યું હતું કે, જે દેશ પોતાની સંસ્કૃતિ,પરંપરા, માનબિંદુઓ,શ્રદ્ધા કેન્દ્રોને માન-સન્માન ગૌરવ આપી શકતો નથી. તે દેશ કયારેય પ્રગતિ કરી શકતો નથી. નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં દેશના અમૃતકાળામાં “એક ભારત-શ્રેષ્ઠ ભારત” બનાવવા માટે આપણે સહુ યથાયોગ્ય યોગદાન આપીએ તેવી નમ્ર અપીલ કરીએ છીએ.આ પ્રેસ મીટ માં જિલ્લા પ્રમુખ નીલ રાવ,ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ સહિત પૂર્વ ધારાસભ્ય અને મંત્રી સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.




