GUJARATVALSADVALSAD CITY / TALUKO

“જો હું અડધા અંગે રક્તદાન કરી શકું છું…તો તમે કેમ નહીં?!.નિયમિત રક્તદાન કરી અનેક લોકોમાં આશાનું કિરણ જન્માવે છે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ પારડીના સેવાભાવી શખ્સે ૨૫ વર્ષ પહેલા ટ્રેન અકસ્માતમાં બંને પગ ગુમાવ્યા, નિયમિત રક્તદાન કરી અનેક લોકોમાં આશાનું કિરણ જન્માવે છે

કોવિડ મહામારી દરમિયાન પણ વલસાડ રકતદાન કેન્દ્ર પર જઈને રક્તદાન કરી અન્યની જિંદગી બચાવી છે

સાચી સેવા માટે શરીર નહિ પણ મન મજબૂત હોવું જોઈએઃ રક્તદાતા ચેતન દેસાઈ

બંને પગ નથી પણ સમાજના સેવાના રસ્તે સતત આગળ વધી રક્તદાન રૂપે આશાનો દીવો પ્રગટાવ્યો

તા. ૧૪ જૂન સમગ્ર દુનિયામાં વિશ્વ રકતદાતા દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ રક્તદાનની પ્રવૃતિમાં લોકોને જાગૃત કરી વધુમાં વધુ રક્તદાન કરવા લોકો આગળ આવે તે માટેનો છે ત્યારે આ દિવસે દરેક વ્યકિત માટે પ્રેરણા અને અનોખી સિદ્ધિનું દ્રષ્ટાંત પુરૂ પાડે છે. વલસાડપારડીના ગોપી ફળિયામાં રહેતા ચેતનભાઈ નટુભાઈ દેસાઈ. આજથી ૨૫ વર્ષ પહેલાં ટ્રેનમાં ચઢતી વેળા થયેલા અકસ્માતમાં તેઓએ પોતાના શરીરના અભિન્ન અંગ એવા બંને પગ ગુમાવ્યા હતાં. આ અણધારી આફત વચ્ચે પણ હિંમત કેળવી જીવન જીવવાની જિજ્ઞાસા અને શારીરિક હાલત સામે જજુમી ફરીથી ઉભા થયા અને આજે જીંદગીને માણી નિયમિત રકતદાન કરી લોકોનું જીવન બચાવવાનું પરોપકારી કાર્ય કરી રહ્યા છે.

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે એક નારો આપતા ચેતનભાઈ દેસાઈ જણાવે છે કે, “જો હું અડધા અંગ સાથે રકતદાન કરી કરી શકું છું. તો તમે કેમ નહીં?”. આજે મારી ઉંમર કર વર્ષની છે. જ્યારે હું ૨૫ વર્ષનો હતો ત્યારે ઉધના મીલમાં નોકરી માટે ટ્રેનમાં અપડાઉન કરતો હતો, ત્યારે સચીન રેલવે સ્ટેશન પર વડાપાઉ લઈ ટ્રેનમાં ફરી ચઢવા ગયો ત્યારે ટ્રેન ચાલુ થઈ ગઈ અને મારો પગ સ્લીપ થતા પ્લેટફોર્મમાં ફસાઈ ગયો હતો. આ સમયે કોઈક અજાણ્યાએ મારુ જીવન બચાવ્યું હતું. જેથી ત્યારબાદ નક્કી કર્યું કે, મારે પણ શક્ય થાય એટલી લોકોની સેવા કરવી જોઈએ. જેથી પ્રથમ રક્તદાન ૧૩ એપ્રિલ ૨૦૦૮ના રોજ કર્યું હતું. અત્યાર સુધી પાંચ વાર રક્તદાન કર્યું છે. પાંચમુ રકતદાન તા. ૬ એપ્રિલ ૨૦૨૫ના રોજ રામનવમીના પાવન અવસરે પોતાના ગામમાં આયોજિત રકતદાન શિબિરમાં કર્યું હતું. કોવિડ મહામારી દરમિયાન પણ વલસાડ રકતદાન કેન્દ્ર પર જઈને રક્તદાન કરી અન્યની જિંદગીને બચાવવાનો સંતોષ માન્યો હતો. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી અવિરતપણે રકતદાન કરી સમાજની સેવા કરતો રહીશ.

અમુક લોકો તંદુરસ્ત હોવા છતાં ‘ડર’ કે ‘આળસ’ના કારણે રક્તદાનથી દૂર રહે છે. “અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો” એમ પોતાના મજબૂત મનોબળથી ચેતનભાઈએ સમાજને બતાવ્યું કે, સાચી સેવા માટે શરીર નહિ પણ મન મજબૂત હોવું જોઈએ. તેમના બંને પગ નથી પણ સમાજના સેવાના રસ્તે સતત આગળ વધી માનવતાની ઊંચાઈને સ્પર્શી રહ્યા છે તેઓ પોતાનું ‘લોહી આપીને અનેક લોકોના જીવન’માં આશા ભરી રહ્યા છે.

વિશ્વ રક્તદાતા દિવસે સૌએ ચિંતન કરવું જોઈએ કે, આપણા લોહીની એક બૂંદ કોઈકની માતાને, કોઇકના વ્હાલસોયા બાળકને કોઈના વીરને કે કોઈની લાડકવાયી બહેનને ઉગારી શકે છે. આપણા રક્તદાનથી કોઈ અજ્ઞાત જીવનને ફરી જીવવાની તક મળે છે. દરેકે અવશ્ય રકતદાન કરવું જોઈએ કારણ કે, સાચી ઉજવણી લોકોના જીવન બચાવવાથી થાય છે (“જહાં ચાહ, વહા રાહ..”) અર્થાત જ્યાં ઈચ્છા હોય ત્યાં રસ્તો હોય જ છે અને ચેતનભાઈ એ રસ્તા પર રક્તદાન રૂપે આશાનો દીવો પ્રગટાવ્યો છે. “જો હું કરી શકું, તો તમે કેમ નહીં?!” મજબૂત સંદેશ સાથે એક મજબૂત મનોબળના માનવીની રક્તદાનની ભાવના વિશ્વ રક્તદાતા દિવસે સૌ માટે પ્રેરણાદાયી છે.

Back to top button
error: Content is protected !!