ઈઝરાયલ સેનાએ ફરી ઈરાનની ન્યૂક્લિયર સાઈટ પર હુમલો કર્યો

મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. એક બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન કડક ચેતવણી આપી છે, તો બીજી બાજુ એવું કહેવાય છે કે, ઈઝરાયલે ફરી ઈરાન પર હુમલો શરુ કર્યો છે. ઈરાની મીડિયાના જણાવ્યા પ્રમાણે ઈઝરાયલ સેનાએ ફરી ન્યૂક્લિયર સાઈટ પર હુમલો શરુ કરી દીધો છે.
એવું કહેવાય છે કે, ઈઝરાયલે શિરાઝ અને તબરીઝ શહેરોની સાથે સાથે નતાંઝ ન્યૂક્લિયર સાઈટ પર ફરીથી હુમલા શરુ કરી દીધા છે. આ પહેલા ઈઝરાયેલી સૈન્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એડી ડેફ્રિને કહ્યું કે, ઈઝરાયલી હુમલામાં ઈરાનના મુખ્ય ન્યૂ્ક્લિયર સાઈટને ખૂબ જ નુકસાન પહોચ્યું છે. આ અભિયાન ઘણુ લાંબુ થઈ શકે છે, જેનો સંકેત સ્પષ્ટ છે કે, ઈઝરાયલ અટકવાનું નથી અને તે હજુ ઈરાન પર હુમલા કરશે.
ઈઝરાયલે શુક્રવારે વહેલી સવારે ઈરાનના પરમાણુ સ્થળ અને સૈન્ય વિસ્તારમાં હુમલા કરવા માટે ઓપરેશન રાઈઝિંગ લાયન શરુ કર્યું છે. આ હુમલામાં ઘણા અગ્રણી ઈરાની લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા હતા. નેતન્યાહૂએ કહ્યું, ‘અમે એક સફળ શરુઆતી હુમલો કર્યો છે. ભગવાનની મદદથી અમે હજુ ઘણી સિદ્ધિઓ મેળવવા જઈ રહ્યા છીએ.’
નેતન્યાહૂએ દાવો કર્યો, ‘અમે ઈરાનના પરમાણુ હથિયાર કાર્યક્રમના કેન્દ્ર પર હુમલો કર્યો છે. અમે નાતાન્ઝમાં ઈરાનના મુખ્ય સંવર્ધન સુવિધાને નિશાન બનાવ્યું છે. અમે ઈરાનના (પરમાણુ) બોમ્બ પર કામ કરી રહેલા અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા છે. અમે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમના કેન્દ્ર પર પણ હુમલો કર્યો છે.’
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન કોઈ સોદો નહીં કરે તો વિનાશ થશે. તેમણે કહ્યું કે આગામી હુમલો વધુ ભયંકર હશે. ટ્રમ્પે કહ્યું, “ઈરાને ખૂબ મોડું થાય તે પહેલાં સોદો કરવો જોઈએ. અમેરિકા વિશ્વના શ્રેષ્ઠ અને ઘાતક લશ્કરી શસ્ત્રો બનાવે છે અને ઇઝરાયલ પાસે તેનો ભંડાર છે. આવનારા સમયમાં કંઈક મોટું પણ થઈ શકે છે.”



