અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
વહીવટીતંત્રનું સઘન સંકલન: મૃતક કૈલાશબેનના બંને પુત્રો સાથે સતત સંપર્કમાં રહી તંત્રે અંતિમક્રિયાની વ્યવસ્થા સુધી સહયોગ કર્યો
અમદાવાદથી અરવલ્લી સુધી સન્માનભેર અંતિમ વિદાય: પોલીસ એસ્કોર્ટ સાથે પાર્થિવ દેહ વતન પહોંચાડાયો અને અધિકારીઓની હાજરીમાં અંત્યેષ્ટિ કરાઈ
અમદાવાદમાં તારીખ ૧૨ જૂનના રોજ થયેલી વિમાન દુર્ઘટના બાદ, રાજ્ય સરકારના દિશાનિર્દેશ હેઠળ વહીવટીતંત્ર દ્વારા અત્યંત સંવેદનશીલતા અને ત્વરાથી કામગીરી કરવામાં આવી રહી છે. દરેક પીડિત પરિવારને આ મુશ્કેલ સમયમાં તમામ પ્રકારનો સહયોગ અને હૂંફ મળી રહે તેવો તંત્રનો પ્રયાસ રહ્યો છે.
આ દુર્ઘટનામાં અવસાન પામેલા સ્વ. કૈલાશબેન ધીરુભાઈ પટેલના કેસમાં તંત્રની કામગીરી આ સંવેદનશીલ અભિગમનું ઉત્તમ ઉદાહરણ છે. દુર્ઘટનાના માત્ર ત્રણ જ કલાકમાં અરવલ્લી જિલ્લાની ટીમે તેમના પરિવારનો સંપર્ક સાધી લીધો હતો. વહીવટી તંત્ર તેમના બંને પુત્રો, જિજ્ઞેશભાઈ (જેમણે DNA સેમ્પલ આપ્યું) અને ચેતન પટેલ (જેઓ ટોરોંડા પ્રાથમિક શાળામાં શિક્ષક છે), એમ બંનેની સાથે સતત સંકલનમાં રહ્યું.પરિવાર દ્વારા ગાંધીનગરના મામલતદાર મહેશ ગોહિલ સમક્ષ મૃતદેહની અંતિમક્રિયા તેમના વતન બાયડ, અરવલ્લી ખાતે કરવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ વિનંતીને માન આપીને, અરવલ્લીની ટીમે સંકલન કરી પાર્થિવ દેહને બાયડ લઈ જવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી. આ માટે અમદાવાદ અને અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રએ સંયુક્ત રીતે વ્યવસ્થા ગોઠવી હતી.
ગતરોજ રાત્રે ૧૨ વાગ્યાથી જ એક એમ્બ્યુલન્સને પોલીસ એસ્કોર્ટિંગ સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી, જેમાં બાયડના મામલતદાર આર. કે. પટેલ પોતે હાજર રહ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે તૈનાત બાયડ CHCના ડૉ. રોનક પટેલે પણ આ સમગ્ર પ્રક્રિયામાં સાથ આપ્યો અને તેમની પાઇલોટિંગ હેઠળ પાર્થિવ દેહને અમદાવાદથી અરવલ્લી જિલ્લામાં લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી.
વહીવટીતંત્રની મદદ અહીં જ અટકી નહીં. સ્વ. કૈલાશબેનના વતન બાયડ પહોંચ્યા બાદ, સ્થાનિક નગરપાલિકા દ્વારા શબવાહિનીની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતિમક્રિયા સમયે પણ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પી.આઈ. જેવા ઉચ્ચ અધિકારીઓ અંતિમક્રિયામાં જોડાયા હતા.
આ ઉપરાંત, અન્ય મૃતક હાર્દિક સતાસિયાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પણ નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ રૂબરૂ જઈને સાંત્વના પાઠવી હતી.આમ, વહીવટી તંત્ર દ્વારા આ દુર્ઘટના સમયે મળેલા સંપૂર્ણ સહકાર બદલ સ્વ. કૈલાશબેનના પુત્રએ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં તંત્રનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો .