GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ:ધરમપુરના સજનીબરડા ગામના ખેડૂત લક્ષ્મણ માહલા પ્રથમવાર રતાળુ કંદની ખેતી કરી અન્ય ખેડૂતોને રાહ ચીંધી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના સજનીબરડા ગામમાં રહેતા આદિવાસી ખેડૂતે પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિધ્ધાંતોનો અભ્યાસ કરી પરોપકારી ગણાતી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. હાલમાં તેઓએ પોતાની એક એકર જમીનમાં રતાળુ કંદની ખેતી આર્થિક રીતે પગભર બન્યા છે. હવે તેઓ પોતે પણ આસપાસના ગામના અન્ય ખેડૂતોને પોતાના અનુભવ દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનું સેવા કાર્ય કરી રહ્યા છે.

ધરમપુરના સજનીબરડા ગામના પ્રગતિશીલ ખેડૂત લક્ષ્મણભાઇ ભીખાભાઈ માહલા જણાવે છે કે, પ્રાકૃતિક ખેતીની પ્રેરણા ધરમપુરના બરૂમાળ મંદિર ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા યોજાયેલી સુભાષ પાલેકરજીની ૭ દિવસની તાલીમ કાર્યશાળામાં ભાગ લીધા બાદ મળી હતી. ત્યાર બાદ સુભાષ પાલેકરજીના વકતવ્ય સાંભળ્યા અને પુસ્તકો વાંચી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. આ પહેલા હું ઝેરયુક્ત રાસાયણિક ખેતી કરતો હતો. જેમાં જંતુનાશક દવા અને રાસાયણિક ખાતર વાપરવાથી જમીનનું આવરણ કડક અને સખત થયુ હતું. મારી જમીનની ઉત્પાદન ક્ષમતા પણ ઘટી હતી. રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન બિન ઉપજાઉ બને છે અને જમીનની ફળદ્રુપતા પણ ઓછી થઈ હતી. રાસાયણિક ખાતર અને દવાના વધતા જતા મૂલ્યના કારણે ખેતી ખર્ચ પણ વધી જતો હતો અને તેની સામે નફો ઓછો થતો હતો. જેથી પ્રાકૃતિક ખેતી તરફ મંડાણ કરતા આ પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધી છે અને જમીન ગોરાડુ બની છે.

પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતી વચ્ચે પોતાના જાત અનુભવની તુલના કર્યા બાદ ખેડૂત લક્ષ્મણભાઈ માહલા વધુમાં જણાવે છે કે, હાલમાં હું રતાળુ કંદની પ્રાકૃતિક ખેતી છેલ્લા બે વર્ષથી કરું છું અને ગુણવત્તા વાળું ઉત્પાદન મેળવું છું. જેથી બજાર ભાવ પણ સારો મળે છે. મારી પાસે કુલ જમીન ૧ એકર છે. આ તમામ જમીન પર હું પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી રતાળુની ખેતી કરું છું. પહેલા કેમિકલના ઉપયોગથી થતી ખેતીમાં આવક રૂ. ૮૫૦૦૦ અને તેની સામે ખર્ચ રૂ. ૧૮,૦૦૦ થતો હતો. જે બાદ કરતા નફો રૂ. ૬૭,૦૦૦ થતો હતો. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરતા અત્યારે મારી આવક રૂ. ૯૨,૦૦૦ જેમાંથી ખર્ચરૂ. ૧૫,૦૦૦ બાદ કરતા ચોખ્ખો નફો વધીને રૂ. ૭૭,૦૦૦ થયો છે. રતાળુ કંદની પ્રાકૃતિક ખેતી પધ્ધતિ સમજાવતા તેઓ વધુમાં જણાવે છે કે, રતાળુના પાકમાં ખેતર તૈયાર કરવા પહેલા ધનજીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરી અને પાણી સાથે જીવામૃત આપ્યું હતું જેથી રતાળુના વેલા તંદુરસ્ત જોવા મળ્યા હતા. જીવામૃત અને ઘન જીવામૃત આપવાથી જમીન ગોરાડુ અને ભરભરી બને છે જેથી રતાળુના કદમાં વધારો થાય છે અને બજાર ભાવ પણ બીજા ખેડૂતો કરતા વધારે મળે છે. જેથી અમારી આવકમાં આવકમાં વધારો થતા આર્થિક સ્થિતિમાં પણ સુધારો થયો છે. જીવામૃત અને ઘન જીવામૃત વાપરવાથી જમીનની અંદર રહેલા જરૂરી સુક્ષ્મતત્વો અને અળસીયાની સંખ્યામાં પણ વધારો થયો છે. આમ, પ્રાકૃતિક ખેતી ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક છે. આજુબાજના ગામના ખેડૂતોને પણ હવે હું પોતે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી તરફ વાળી રહ્યો છું. મારી આ સફરમાં હંમેશા મને માર્ગદર્શન આપનાર વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટનો આભાર માનુ છું.

Back to top button
error: Content is protected !!