નર્મદા : દેડિયાપાડા તાલુકાના ચોપડી-રીંગાપાદર ગામે સારા રસ્તાના અભાવે મતદાન સ્ટાફે ચાર કિમી સુધી પગપાળા ચાલવું પડ્યું

નર્મદા જિલ્લામાં દેડિયાપાડા તાલુકાના ચોપડી-રીંગાપાદર ગામે સારા રસ્તાના અભાવે મતદાન સ્ટાફે ચાર કિમી સુધી પગપાળા ચાલવું પડ્યું
અંતરિયાળ વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં રસ્તા કીચડ વાળા થઈ જતા વાહનો પણ જઈ શકતા નથી ત્યારે ગ્રામજનો પણ યાતના ભોગવી રહ્યા છે
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા ગ્રામ પંચાયતોના ચૂંટણી કાર્યક્રમ અન્વયે નર્મદા જિલ્લાના કુલ ૧૧૨ ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર તથા પેટા ચૂંટણીઓ માટે આજે રવિવાર, તા. ૨૨/૦૬/૨૦૨૫ના રોજ સવારે ૭:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક સુધી મતદાન યોજાયું હતું.
નર્મદા જીલ્લામાં દેડીયાપાડા તાલુકાની ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પણ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ડુમખલ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ મતદાન મથક ચોપડી-૦૨ પ્રાથમિક શાળા, રીંગાપાદર ખાતે તા.૨૧/૦૬/૨૦૨૫ ના રોજ (૧) પ્રમુખ અધિકારી વસાવા અભેસિંગભાઇ પુનીયાભાઇ મુ.શિ..કુંડીઆંબા, (ર) હિતેશભાઇ છોટુભાઇ રાઠોડ મદદનીશ પ્રમુખ અધિકારી મુ.શિ.માથાસર પ્રા.શાળા દેવરા ડુમખલ, (૩) વિજયભાઇ ચીમનભાઇ પરમાર મતદાન અધિકારી ઉ.શિ.પ્રા.શાળા જા.ફ.પાટવલી, (૪) અંજનાબેન મોહનભાઇ વસાવા મુ.શિ.પ્રા.શાળા પિપલોદ મહિલા મતદાન અધિકારીશ્રી અને (પ) મુળજીભાઇ દમણીયાભાઇ પટાવાળા પ્રા.શાળા ચોપડી નાઓની મતદાન સ્ટાફની ફરજ માટે નિમણૂંક કરવામાં આવી હતી.
ઉકત તમામ ચૂંટણી અધિકારી/કર્મચારીઓ દ્વારા ગતરોજ તા.૨૧/૦૬/૨૦૨૫, શનિવારે તેઓને સોંપેલી કામગીરી હેઠળ ડીસ્પેચીંગ સેન્ટર ખાતેથી મતદાન માટેની તમામ સામગ્રી તથા મતદાન પેટી સાથે દેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચોપડી ગામના મતદાન મથક ખાતે જવા માટે ફાળવેલા વાહનમાં રવાના થયા હતા. હાલ ચોમાસાની સિઝન હોવાથી રસ્તામાં વરસાદના કારણે આ મતદાન મથકના રસ્તે વાહન જઈ શકે તેમ ન હોવાથી તમામ અધિકારી/કર્મચારીઓએ ગામ તરફ જવાના કાચા રસ્તેથી વાહનને પરત મોકલી તમામ સામગ્રી જાતે જ ઉંચકી તેઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા સાથે ઉબડ ખાબડ રસ્તે અંદાજે ચાર કિલો મીટર જેટલું અંતર પગપાળા ચાલીને મતદાન મથકે પહોંચી તેઓની ફરજ બજાવી હતી.




