GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: શાળા પ્રવેશોત્સવ : ખાસ લેખ શ્રેણી – ૦૪ જરૂરિયાતમંદ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે આશાનું કિરણ : જ્ઞાનશક્તિ નિવાસી શાળા

તા.૨૪/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન – માર્ગી મહેતા

રાજકોટ જિલ્લામાં એકમાત્ર એવી, ભાયાવદર ખાતે જ્ઞાનશક્તિ નિવાસી શાળા

ચાલુ વર્ષે ધો. ૦૬માં ૧૨૦ અને ધો. ૦૭માં ૧૪૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો

Rajkot: શિક્ષણ એ સમાજનો મૂળભૂત પાયો છે. ગુજરાત સરકારે આ પાયાને વધુ મજબૂત બનાવવા એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, એ છે જ્ઞાનશક્તિ નિવાસી શાળા. આ યોજના માત્ર વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ જ નહીં, પરંતુ તેમના સર્વાંગી વિકાસને લક્ષ્યમાં રાખીને અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્યના ખૂણેખૂણેથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શોધી, તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરમાં એક જ્ઞાનશક્તિ નિવાસી શાળા કાર્યરત છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દીક્ષિતભાઈ પટેલના માર્ગદર્શન મુજબ શાળાના આચાર્યશ્રી નીતિનભાઈ દવેની આગેવાની હેઠળ સ્વામિનારાયણ ગુરુકુળના સહયોગથી ધોરણ ૦૬થી ધોરણ ૧૨ના અભ્યાસ માટે આ શાળા કાર્યરત છે. ઉપલેટા બ્લોક રિસોર્સ સેન્ટરના કો-ઓર્ડીનેટરશ્રી વિજયભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે આ શાળામાં ચાલુ વર્ષ ૨૦૨૫ માટે ધોરણ ૦૬માં ૧૨૦ વિદ્યાર્થીઓ અને ધોરણ ૦૭માં ૧૪૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. હજુ પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ ચાલુ છે.

તેમણે ઉમેર્યું હતું કે ભાયાવદરમાં આવેલી જ્ઞાનશક્તિ નિવાસી શાળા, હાલ રાજકોટ જિલ્લામાં એકમાત્ર છે. રેસીડેન્સીયલ સ્કુલમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે અને તેમની રહેવા-જમવાની વ્યવસ્થા ઉપરાંત પાઠ્યપુસ્તકો અને સ્કૂલ યુનિફોર્મ સહિતની તમામ સુવિધાઓ પણ નિ:શુલ્ક આપવામાં આવે છે. જેથી, કોઈપણ તેજસ્વી વિદ્યાર્થી આર્થિક સંકડામણને કારણે ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત ન રહે.

જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ

જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કૂલનો મુખ્ય હેતુ રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડી તેમની શૈક્ષણિક જરૂરિયાતો સંતોષવાનો છે. જેમાં ધોરણ ૦૧થી ધોરણ ૦૫ સુધી સતત સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરેલા બાળકોની પ્રતિભાને ઓળખી, તેમને ધોરણ ૦૬થી ધોરણ ૧૨માં ઉત્તમ શિક્ષણ આપવા આવે છે.

શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-‘૨૩માં શરુ કરાયેલી આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને છાત્રાલય સુવિધાની સાથે સર્વાંગી વિકાસ, કલા-કૌશલ્યયુક્ત શિક્ષણ અને તેની શ્રેષ્ઠ પદ્ધતિઓ, નૂતન સાધન-સામગ્રીયુક્ત માળખું પૂરું પાડવામાં આવે છે. જેનો એક ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો અને તેમને J.E.E. તથા N.E.E.T. જેવી પરીક્ષાઓ માટે જરૂરી સ્પર્ધાત્મક કૌશલ્ય વિકસાવવાની તકો પૂરી પાડવાનો પણ છે.

આ યોજનાનો લાભ લેવા માટે ધો. ૦૫માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટના આધારે પસંદગી પામેલા હોવા જોઈએ. વધુમાં, ફક્ત એવા જ વિદ્યાર્થીઓને આ શાળાઓમાં પ્રવેશ મળી શકે છે, જેમણે ધોરણ ૦૧થી ધોરણ ૦૫ સુધી સતત સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય. આમ, જ્ઞાનશક્તિ નિવાસી શાળા જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે આશાના કિરણ સમાન છે.

Back to top button
error: Content is protected !!