GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વરસાદમાં વિખૂટી પડેલી માનસિક રીતે અસ્થિર દીકરીનું માતા સાથે મિલન કરાવતી અભયમ ટીમ

તા.૩૦/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અભયમના સમજદારીભર્યા કાઉન્સેલિંગથી નિ:સહાય માતા-પુત્રીના મિલન સાથે ‘મા’ની આંખોમાં વરસી હરખની હેલી

Rajkot: ૧૮૧ અભયમના સહકારથી ઘણાં પરિવારો વિખૂટા પડતાં બચ્યાં છે. આવો જ એક કિસ્સો હાલ રાજકોટમાં જોવા મળ્યો છે. જેમાં માનસિક રીતે અસ્થિર યુવતી માતાથી વિખુટી પડતા અભયમ ટીમ મદદરૂપ બની છે.

આ કિસ્સામાં એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ આવ્યો કે, એક યુવતી આજે સવારે ૧૦:૦૦ વાગ્યાથી ચોકમાં બેઠા છે. જેને મદદની જરૂર છે. જેના પગલે ૧૮૧ અભયમના કાઉન્સેલર કાજલબેન પરમાર ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતાં. યુવતી મુશળધાર વરસાદમા ભીંજાઈ રહી હતી. આસપાસના એકઠા થયેલા લોકોએ ટીમને જણાવ્યું હતું કે, અમે લોકોએ યુવતી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે કંઈપણ જવાબ આપતા નથી.

આ સ્થિતિમાં ટીમે યુવતીને આશ્વાસન આપતા તેણે કાજલબેનને જણાવ્યું હતું કે, મને મારા માતા હમણાં લેવા આવશે, યુવતીએ આ વાતનું રટણ સતત ચાલુ રાખ્યું હતું. આ યુવતી સવારની માતાની રાહ જોવે છે. અભયમ ટીમને યુવતીની માનસિક સ્થિતિ અયોગ્ય હોવાનું જણાતા યુવતીનું કાઉન્સલિંગ કરતા માહિતી મળી કે, યુવતીના ઘરના સભ્યોમાં એક માતા હોવાનું જણાય રહ્યું છે. કેમ કે યુવતી વારંવાર માતા લેવા આવશે તેવું અભયમને જણાવી રહી હતી. યુવતીને એડ્રેસ પૂછતાં તેને એ બાબતનો ખ્યાલ ન હતો. યુવતી બસ એક જ વાત કરતી હતી કે, મારા માતા મને લેવા આવશે. આથી ટીમ દ્વારા યુવતીને માતાનો ફોન નંબર પૂછતાં તેણીએ કહ્યું કે હું કોઈને નંબર ના આપું. પરંતુ ફોન નંબર વિના સંપર્ક કેમ કરવો તેમ પૂછતાં આખરે નંબર લખી આપ્યો.

જે નંબર ડાયલ કરતા યુવતીની માતા સાથે અભયમ ટીમે સઘળી વાત કરી. વાત કર્યા બાદ તેનું એડ્રેસ મેળવી ઘરે પહોંચ્યા હતાં.

દીકરીને હેમખેમ ઘરે પરત ફરતા જોઈ માતા રડવા લાગ્યા હતા. અભયમ ટીમે તમામને આશ્વાસન આપી બંનેને શાંત પાડી દીકરીને સુપરત કરી હતી. યુવતીના માતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીની સમજણ શક્તિ ઓછી હોવાથી હું જ્યાં જાવ છું, ત્યાં મારી દીકરીને સાથે લઈ જાવ છું. આજે હું સવારે બજારમાં મારી દીકરીને સાથે લઈ નીકળી હતી. પરંતુ વરસાદમાં તે રીક્ષામાંથી ક્યારે ઊતરી ગઈ તેનો મને ખ્યાલ જ ન રહ્યો. હું સવારની તેની પાછા આવવાની રાહ સાથે આસપાસ તપાસ કરતી હતી. પરંતુ વરસાદમાં હું પણ એકલી તેને શોધવામાં સફળ ના રહી. મારી દીકરીને પરત શોધી લાવ્યા તે બદલ અભયમ ટીમની માતાએ સરાહના કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.

પરિવારથી વિખુટા પડેલા સભ્યને પરત જોઈ ‘મા’ જેટલો હરખ કદાચ દુનિયામાં અન્ય કોઈને પણ ના થાય. એટલે જ કહેવત છે ને, ‘મા તે મા બીજા વગડાના વા’

Back to top button
error: Content is protected !!