
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : ભીલકુવામાં મહિલા સરપંચે પાવડો પકડી જાતે માર્ગ સમારકામ શરૂ કર્યો
ભીલકુવા ગ્રામ પંચાયતની નવીન પસંદ થયેલી મહિલા સરપંચ મીનાબેન ચૌહાણે એક અનોખી અને પ્રેરણાદાયક પહેલ કરતા ગ્રામ વિકાસ માટે જાતે જ પાવડો ઉઠાવી માર્ગ સમારકામનું કાર્ય શરૂ કર્યું.

ભીલકુવામાં તાજેતરમાં થયેલા સતત વરસાદને કારણે ગામના માર્ગો ખરાબ હાલતમાં આવી ગયા હતા અને કેટલાક વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસવાની સ્થિતિ ઉભી થઈ હતી. ત્યારે નવનીયુક્ત સરપંચ મીનાબેન ચૌહાણે પ્રજાની હાલાકી દૂર કરવા કેવળ કચેરીમાં બેસી આદેશ આપવાના બદલે પોતે જમીન પર ઉતરી કાર્ય શરૂ કર્યું.તેમણે કહ્યું કે, “ગામના નાગરિકોને તકલીફ ન થાય એ જ મારી પ્રથમ ફરજ છે. ચાલુ વરસાદના સમયમાં જો આપણે આગળ વધી નશું તો ગામજનોએ ઘણી મુશ્કેલીઓ ભોગવવી પડી શકે. હું એ વાતમાં માનું છું કે નેતૃત્વ માત્ર ચર્ચામાં નહીં, પણ કામગીરીમાં જોવા મળવું જોઈએ.”
ગ્રામજનોમાં તેમના આ કાર્યને લઈ આનંદ અને ગૌરવ જોવા મળ્યો. ઘણા નાગરિકોએ જણાવ્યું કે, “અમે પહેલી વાર આવી સરપંચ જોઈ છે, જે ખુદ રસ્તા પર ઉતરીને કામ કરે છે.”મીનાબેન ચૌહાણે આશ્વાસન આપ્યું છે કે આવનારા દિવસોમાં ગામના વિકાસ માટે દરેક જરૂરી પગલાં ભરવામાં આવશે અને ગ્રામજનોને જરાય તકલીફ ન પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે.





