Rajkot: પ્રાકૃતિક કૃષિ તરફ વળતું ગુજરાત : રસાયણમુક્ત ખેતી થકી જમીન સંરક્ષણ અને ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ તરફ મજબૂત કદમ

તા.૨૭/૮/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
સંકલન : માર્ગી મહેતા
પ્રાકૃતિક ખેત પદ્ધતિ થકી ઉત્પાદિત થતી પોષક તત્વોથી સભર, ગુણવત્તાયુક્ત અને સ્વાદિષ્ટ પેદાશોની બજારમાં ભારે માંગ
Rajkot: ગુજરાત સરકારના સતત પ્રયાસોના પરિણામ રૂપ રાજ્યભરમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિનપ્રતિદિન વધી રહ્યો છે. રાસાયણિક ખાતરો અને ઝેરી કીટનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટતાં માનવ સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી રહી છે, ત્યારે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અનેક ખેડૂતો હવે ઝેરમુક્ત અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે.
રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતિ શિબિરો, મુલાકાતો અને તાલીમ કાર્યક્રમોનું સઘન આયોજન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને દેશી ગાયના છાણ અને મૂત્રમાંથી જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત તેમજ નીમાસ્ત્ર જેવા જૈવિક ઘટકો બનાવવાની જાણકારી આપવામાં આવી રહી છે. જેના પરિણામે ખેડૂતોનો રાસાયણિક ખાતરો અને દવાઓનો ખર્ચ શૂન્ય થઈ રહ્યો છે.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિ પર્યાવરણ અને જમીન સંરક્ષણ માટે ખૂબ ઉપયોગી છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનમાં અળસિયા અને ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં ધરખમ વધારો થાય છે, જેનાથી જમીનની ભેજસંગ્રહ શક્તિ વધે છે. જેથી, ઓછા વરસાદની સ્થિતિમાં પણ પ્રાકૃતિક પાક વધુ સમય સુધી ટકી રહે છે. ઉપરાંત, પ્રાકૃતિક કૃષિ થકી ઉત્પાદિત ખેતપેદાશો પોષક તત્વોથી સભર, ગુણવત્તાયુક્ત અને સ્વાદિષ્ટ હોય છે, જે ગ્રાહકોના આરોગ્ય માટે લાભદાયક છે. બજારમાં પણ આવી ઝેરમુક્ત પ્રાકૃતિક પેદાશોની માંગ સતત વધી રહી હોવાથી ખેડૂતોને પાકના વધુ સારા ભાવ મળી રહે છે.
આમ, પ્રાકૃતિક ખેતી જમીનની ફળદ્રુપતા જાળવવાની સાથેસાથે ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ અને પર્યાવરણના રક્ષણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે ખેડૂતો રાસાયણિક ખાતરોના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળીને જમીન, પર્યાવરણ અને ભાવિ પેઢીના સ્વાસ્થ્યના રક્ષણ અર્થે પ્રાકૃતિક કૃષિનો સંકલ્પ લઈ ‘સમૃદ્ધ ખેડૂત, સમૃદ્ધ ગુજરાત’ના નિર્માણમાં સહભાગી બને, તે આવશ્યક છે.


