
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૦૨ જુલાઈ : “ઘરેલું હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ” અધિનિયમ – ૨૦૦૫ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી ભુજ દ્વારા અંજારના સતાપર ગામ ખાતે જાગૃતિ સેમીનાર યોજાયો હતો.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સતાપર ગામના સરપંચ શ્રી ગીતાબેન ડુંગરિયા એ ગામના ઉપસ્થિત મહિલાઓને તેમની સાથે થતી હિંસા સામે અવાજ ઉઠાવવા તેમજ કાયદાકીય પગલા લેવા અંગે અનુરોધ કર્યો હતો. સ્ત્રીઓ પોતાના પગભર થાય અને પોતાનું જીવન જીવે તે અંગે પણ જણાવ્યું હતું. ઉપરાંત સ્પેશિયલ ફાઈનાન્સીયલ લીટ્રેસી ક્રિષ્નાબેન ભુડિયા દ્વારા મહિલા સશક્તિકરણ વિશે જણાવતાં મહિલાઓ સમાજના બંધનમાંથી મુક્ત થઇ પોતાની અલગ ઓળખ બનાવે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કેસ વર્કરશ્રી પારૂલબેન ડામોર દ્વારા મહિલાઓને સાયબર સેફટી, સખી વન સ્ટોપ સેન્ટર તેમજ ૧૮૧ અભયમ હેલ્પલાઇનની પુરતી સમજ આપવામાં આવી હતી. તેમજ ડીસ્ટ્રીક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વિમેનના મિશન કો – ઓર્ડીનેટર શ્રી ફોરમબેન વ્યાસ દ્વારા મહિલાઓને “ઘરેલું હિંસા સામે સ્ત્રીઓનું રક્ષણ અધિનિયમ -૨૦૦૫” અન્વયે કાયદાની સમજ સાથે ઘરેલું હિંસાની વ્યાખ્યા, ફરિયાદ કોની સામે થઇ શકે તથા કેવી રીતે ફરિયાદ કરવી જેવા મુદ્દાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન જેન્ડર સ્પેશ્યાલીસ્ટ પૂજાબેન પરમારના માર્ગદર્શન હેઠળ DHEW અને OSC ના કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જેન્ડર સ્પેશ્યાલીસ્ટ પૂજાબેન પરમાર અને રેશમબેન ઉપસ્થિત રહ્યા હતાં.





