JUNAGADHJUNAGADH CITY / TALUKO

જુનાગઢમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ : 282 કોર્પોરેટરોની મિલકતોની તપાસ માટે જાગૃત નાગરિકનો હુંકાર

જુનાગઢ મહાનગરપાલિકા : કોર્પોરેટરોની સંપત્તિ પર ભ્રષ્ટાચારનો સંદેહ, તપાસની માંગ

જુનાગઢ મહાનગરપાલિકા : કોર્પોરેટરોની સંપત્તિ પર ભ્રષ્ટાચારનો સંદેહ, તપાસની માંગ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જુનાગઢ : શહેરના જાગૃત નાગરિક ભરત મારવાડીએ ગુજરાત રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરો (ACB) અને અમલીકરણ નિયામક (ED) સહિત એન્ટી કરપ્શન બ્યુરો જૂનાગઢ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને એક વિસ્ફોટક અરજી કરી છે, જેમાં જુનાગઢ મહાનગરપાલિકાના વર્ષ 2004 થી 2025 દરમિયાન ચૂંટાયેલા 282 કોર્પોરેટરોની મિલકતો પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે તેમની સંપત્તિની નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે,
2004માં જુનાગઢ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીથી લઈને 2009, 2014, 2019 અને 2025ની ચૂંટણીઓમાં ચૂંટાયેલા તમામ પક્ષોના 282 કોર્પોરેટરોની મિલકતોમાં શંકાસ્પદ વધારો થયો હોવાની આશંકા છે. અરજદારે એન્ટી કરપ્શન બ્યુરોને આગ્રહ કર્યો છે કે આ 282 કોર્પોરેટરો દ્વારા ચૂંટણી પંચને રજૂ કરાયેલી મિલકતની વિગતો (જેમ કે જંગમ-સ્થાવર મિલકત, બેંક બેલેન્સ, રોકાણો, વાહનો)ની તુલના તેમની હાલની આર્થિક સ્થિતિ અને પરિવારની સંપત્તિ સાથે કરવામાં આવે. જો કોઈ ગેરરીતિ કે અસંગત વધારો જણાય, તો તેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે. અને આ અરજીનો હેતુ જનપ્રતિનિધિઓની નાણાકીય ગેરરીતિઓને ઉજાગર કરવાનો છે, જેથી જુનાગઢના નાગરિકોમાં ફેલાયેલી ભ્રષ્ટાચારની શંકાઓનું સત્ય બહાર આવે. જાગૃત નાગરિકે આક્ષેપ કર્યો છે કે, કેટલાક કોર્પોરેટરોની મિલકતોમાં થયેલો અસામાન્ય વધારો તેમની જાણીતી આવકના સ્ત્રોતથી મેળ ખાતો નથી, જે ગંભીર ચિંતાનો વિષય છે. આવી તપાસ લોકશાહીની પારદર્શિતા અને જવાબદારીને મજબૂત કરવા સાથે શહેરના વિકાસમાં નાગરિકોનો વિશ્વાસ ફરી સ્થાપિત કરશે.જાગૃત નાગરિકે એન્ટી કરપ્શન બ્યુરોને આ તપાસ તાત્કાલિક, નિષ્પક્ષ અને ઝડપી રીતે હાથ ધરવા તેમજ તેનો અહેવાલ જાહેર કરવા માંગ કરી છે.
તેમજ ભરત મારવાડીએ વધુમાં જણાવ્યું હતું કે આ પગલું જુનાગઢમાં ચાલી રહેલી ભ્રષ્ટાચારની આશંકાઓ અને જનપ્રતિનિધિઓની નાણાકીય પ્રામાણિકતા પર ઉઠેલા પ્રશ્નોના જવાબ મેળવવા માટે ઉઠાવવામાં આવ્યું છે, જે શહેરના નાગરિકોમાં ન્યાય અને પારદર્શિતાની આશા જગાવે છે.

Back to top button
error: Content is protected !!