ગંભીરા બ્રિજ દુર્ઘટના નદીમાં ગરકાવ વાહનો બહાર કાઢવા ભારે જહેમત

તાહિર મેમણ – આણંદ – 10/07/2025 આણંદ – વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહીસાગર નદી પર આવેલો મુજપુર ગંભીરા બ્રિજ નો વચ્ચેનો એક ભાગ ગઈકાલે સવારે તૂટી પડ્યો હતો. આ બ્રિજ આણંદ અને વડોદરાને જોડે છે, જે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધીના ટ્રાફિક માટે મહત્વનો હતો, જ્યારે બ્રિજ પરથી બે ટ્રક, બે કાર, એક રિક્ષા, અને એક પિકઅપ વાન મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં.એન.ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ. ની ટીમ દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે, તેમજ નદીમાં ગરકાવ વાહનોને બહાર કાઢવાની કામગીરી આજ સવારથી કરવામાં આવી રહી છે. વાહનો બહાર નીકળવા માટે નદીના કાંઠે રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે.
વડોદરાના જિલ્લા કલેકટર શ્રી અનિલ ધામેલિયા સ્થળ પરથી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી રાહત અને બચાવની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
દુર્ઘટનાની તપાસ માટે છ સભ્યોની કમિટી રચવામાં આવી છે, જે કમિટી દ્વારા સ્થળ પર ઉપસ્થિત રહી જરૂરી તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ, અને બચાવ ટીમો દ્વારા ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે.એક ટ્રક બ્રિજની ધાર પર અટકી ગઈ હતી, જેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.




