OBC, SC, ST વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા આપવાની તક મળે એ માટે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલયમાં દિનેશ બારીઆની રજૂઆત
તારીખ૧૧/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
JNV ની ફક્ત પ્રવેશ પરીક્ષા માટે પણ ફરજીયાત માંગવામાં આવતો જાતિનો દાખલો રદ કરવાની માંગ
કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી પ્રવેશ પરીક્ષા માટે ઑનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા બાબતે ઉભી થયેલી સમસ્યાની રજૂઆત આમ આદમી પાર્ટીના પ્રદેશ સહમંત્રી દિનેશ બારીઆ એ માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં આજ રોજ ઈમેલ મારફતે કરી છે જે બાબતે દિનેશ બારીઆ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ફક્ત પ્રવેશ પરીક્ષા આપવા માટે પણ વિદ્યાર્થીઓ પાસેથી જાતિનો દાખલો ફરજીયાત માંગવામાં આવે છે તે ઉચિત નથી તેમજ દાખલો કઢાવવા પણ સમસ્યાઓ ઊભી થઈ રહી છે તેથી વિદ્યાર્થીઓ પ્રવેશ ફોર્મ ભરી શકતા નથી તેના કારણો જોઈએ તો, ગ્રામિણ વિસ્તારના વિદ્યાર્થીઓ પાસે જાતિનો દાખલો કઢાવેલ હોતો નથી. જાતિનો દાખલો કઢાવવાની પ્રક્રિયા જટીલ અને સમય માંગી લે છે. જાતિનો દાખલો કઢાવવાની જટીલ પ્રક્રિયાના કારણે ગ્રામીણ વિસ્તારના વાલીઓ પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવા માટે ઉદાસીન બને છે. જાતિનો દાખલો ના હોવાના કારણે જે તે શાળાઓ પણ પોતાના વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ શાળામાં થી ભરી શકતાં નથી. જાતિનો દાખલો ન હોવાના કારણે ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપવાથી વંચિત રહેવા પામે છે. હાલ ચોમાસાની સિઝન ચાલું છે અને ખેડૂતો ખેતીના કામમાં વ્યસ્ત હોવાના કારણે જાતિનો દાખલો કઢાવવા પણ સમય આપી શકતા નથી તેમજ ભારે વરસાદ હોવાનું કારણ પણ છે. કેટલાક વિદ્યાર્થીઓ માતા પિતા વગરના હોય કે કેટલાક સગાં સંબંધીને ત્યાં રહીને અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે જાતિનો દાખલો તાત્કાલિક કઢાવવો પણ શક્ય હોતું નથી. તેમજ ફોર્મ ભરવાની સમય મર્યાદા પણ (૨૯ જુલાઈ સુધીની) ટુંકી છે જેથી ખેડૂતો અને વાલીઓ ટુંકા દિવસોમાં જાતિનો દાખલો કઢાવવા પરેશાની અનુભવે છે.આવી તમામ બાધાઓના કારણે ગ્રામીણ વિસ્તારના મોટા ભાગના વિદ્યાર્થીઓ પાસે જાતિનો દાખલો કઢાવવાની સમસ્યા ઊભી થઈ છે. તેથી જાતિનો દાખલો રદ કરવા રજૂઆત કરી છે અને ફક્ત પ્રવેશ પરીક્ષા આપવા માટે પણ જાતિનો દાખલો ફરજીયાત આપવો પડે તે જરાય ઉચિત નથી. સાથે માંગણી પણ કરી છે કે, પ્રવેશ પરીક્ષા આપવા માટે ભરવામાં આવતા ફોર્મમાં જાતિનો દાખલો આપવો ફરજીયાત છે તેને રદ કરવામાં આવે. પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ એક મહિનો (૩૧ ઓગષ્ટ સુધી) લંબાવવામાં આવે. પ્રવેશ પરીક્ષા માટે ભરવામાં આવતા ફોર્મની પ્રક્રિયા જટીલ નહીં પણ સરળ કરવામાં આવે. ધોરણ ૫ માં ભણતા તમામ વિદ્યાર્થીઓ ફરજીયાત પ્રવેશ પરીક્ષા આપી શકે તે માટે ઉચિત કરવામાં આવે. અને એક સવાલ પણ ઉભો થાય છે કે,જનરલ કેટેગરી (સામાન્ય જાતિ) ના વિદ્યાર્થીઓને જાતિના દાખલા ની જરૂર હોતી નથી તેથી આવા તમામ બાળકો પ્રવેશ ફોર્મ ભરી શકશે જ્યારે OBC, SC, ST જાતિના વિદ્યાર્થી ઓને ફરજીયાત જાતિનો દાખલો આપવાનો હોવાથી આવા વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપવાથી વંચિત રહેશે. ફક્ત પ્રવેશ પરીક્ષા આપવા માટે પણ આવો ભેદભાવ ઉભો થાય એ કોઈ ના હિતમાં નથી અને OBC, SC, ST કેટેગરીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોય તેવું સ્પષ્ટ જણાય છે.જો આ બાબતે ઉચિત નિર્ણય કરવામાં નહીં આવે તો OBC,SC,ST કેટેગરીના ઉમેદવારોને પ્રવેશ પરીક્ષા આપવા નો અધિકાર અને અવસર પણ છીનવાતો હોય તેવું લાગી રહ્યું છે એમ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા દિનેશ બારીઆ એ સવાલ ઉભો કર્યો છે.અને ઉપરોક્ત કારણોના કારણે જે સમસ્યા ઊભી થઈ છે અને ઊભી થઈ શકે તેમ છે જેને દુર કરવા અને અટકાવવા તાત્કાલિક ધોરણે ઉચિત નિર્ણય કરવા દેશના હજારો વિદ્યાર્થીઓના હિત માટે માંગ કરવામાં આવી છે.