શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી

12 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
આજરોજ શેઠ શ્રી ટી.પી.હાઈસ્કૂલ માલણના પ્રાંગણમાં અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે ગુરુના માહાત્મ્ય અને ગરિમાને બિરદાવવા તેમજ ગુરુ શિષ્યના સ્નેહ સેતુને પોંખવા શાળામાં તમામ ગુરુજનો તથા શાળાના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર કાર્યક્રમમાં જોડાયા હતા. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાખંડ ખૂબ જ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યો હતો. સર્વ ગુરુજીઓનું પ્રાર્થના ખંડમાં સન્માન કરવામાં આવ્યુ હતું.સમારોહનો પ્રારંભ મા સરસ્વતીના સાનિધ્યમાં દિપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થિનીઓ દ્રારા સર્વ ગુરુજનોનું કુમકુમ તિલક અને અક્ષતથી અભિવાદન કર્યા બાદ ગુરૂ પૂજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ગુરુ પૂર્ણિમાનો મહિમા વ્યક્ત કરતાં ભજન અને વક્તવ્ય રજૂ કરી સમગ્ર વાતાવરણને ગુરુ ભક્તિમય બનાવ્યું હતું. માધ્યમિક વિભાગમાંથી શ્રી જીગ્નેશભાઈ રાવલ અને ઉચ્ચતર માધ્યમિક માંથી શ્રી કૃણાલભાઈ કકકડે ગુરુપૂર્ણિમાનું મહત્વ સમજાવતાં ગુરુ કેવા હોવા જોઈએ, ગુરુ કેવી રીતે આપણા જીવનમાં ઉપયોગી બને છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.શાળાના આચાર્યશ્રી ડો. રાજેશ પ્રજાપતિએ જીવનમાં ગુરુની મહત્તા અંગે દ્રષ્ટાંત રજૂ કરી ગુરુપૂર્ણિમાની ઉજવણીને બિરદાવતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ધોરણ 12 ની વિદ્યાર્થીની પ્રજાપતિ તન્વીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંચાલન કર્યું હતું. ગુરુજીઓએ તમામ વિદ્યાર્થીઓ આશીર્વાદ આપ્યા હતા અને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે આવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અંતે આભારવિધિ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.






