
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા.12 : મુન્દ્રા અને ભુજ વચ્ચેના મહત્વપૂર્ણ માર્ગ પર બરાયા ગામ પાસે આવેલા જર્જરિત પુલના મુદ્દે તાજેતરમાં કચ્છના કલેક્ટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાને લઈને મુન્દ્રાના નાગરિકોમાં વ્યાપક ચિંતા અને અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. આ જાહેરનામા મુજબ ભારે વાહનોને ભુજથી કોડાયપુલ-પ્રાગપર ચોકડી થઈને મુન્દ્રા આવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, જેના પરિણામે મૂળ 50 કિલોમીટરનું અંતર બમણું થઈને 100 કિલોમીટર જેટલું થઈ ગયું છે.
આ નિર્ણયથી જનસામાન્યને થનારી મુશ્કેલીઓ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સહિત અન્ય માલસામાનની હેરાફેરી કરતા ભારે વાહનોને બમણું અંતર કાપવું પડશે, જેના કારણે પરિવહન ખર્ચમાં નોંધપાત્ર વધારો થશે. ભુજ જિલ્લાનું કેન્દ્ર હોવાથી ત્યાંથી મુન્દ્રા જેવા તાલુકા કેન્દ્રમાં આવતા માલસામાન પરનો ટ્રાન્સપોર્ટ ચાર્જ બેવડાઈ જશે, જે આખરે મુન્દ્રાના નાગરિકોને મોંઘવારી રૂપે ભોગવવો પડશે. આ પરિસ્થિતિમાં સ્થાનિક વર્તમાનપત્રો દ્વારા આ નિર્ણયને “અમારી રજૂઆતનું પરિણામ” ગણાવીને ઉજવણી કરવી, અને તેમાં નગરપાલિકાના હોદ્દેદારો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સંડોવણી દર્શાવવી એ ખરેખર આશ્ચર્યજનક અને દુઃખદ બાબત છે.
પ્રજાના હિતને સીધી અસર કરતા આવા મહત્વપૂર્ણ નિર્ણયો 24 કલાકમાં લેવાઈ જાય છે, જ્યારે ખરેખર કરવાના કામોની અવગણના કરવામાં આવે છે. વર્ષો જૂના આ પુલનું સમારકામ કરીને તેને મજબૂત બનાવવાની, ખાસ કરીને વરસાદની મોસમમાં તેની સપોર્ટ સિસ્ટમ વધારવાની જગ્યાએ, વૈકલ્પિક રૂટ આપીને અંતર બમણું કરવું એ કેટલું વ્યાજબી છે?
આ નિર્ણય પાછળ ગુજરાતના એક શહેરમાં પુલ તૂટી પડવાની ઘટના અને તેમાં થયેલા 18 લોકોના મોતનું કારણ આપવામાં આવી રહ્યું છે. જોકે, મજબૂત ગણાતો એ પુલ તૂટી પડવાની ઘટના અકસ્માત હતી કે ભારતને બદનામ કરવાનું કાવતરું, તે પ્રશ્ન હજુ પણ ચર્ચાનો વિષય છે. તેની યોગ્ય તપાસ કરવાને બદલે, અકસ્માતના એક અઠવાડિયા પહેલા પુલ અંગે પોઝિટિવ રિપોર્ટ આપનાર ચાર એન્જિનિયર કક્ષાના કર્મચારીઓને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા. આ પણ એક તપાસનો વિષય છે.
લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતમાં તાજેતરમાં ઘણા એવા બનાવો બની રહ્યા છે જે માનવ મૃત્યુ તરફ દોરી જાય છે, અને તેને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કરીને ગુજરાત અને ભારતને બદનામ કરવાનું આ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોઈ શકે છે. આગામી ચૂંટણીઓને અનુલક્ષીને પણ આવા નિર્ણયો લેવાઈ રહ્યા હોય તેવી શંકા લોકોના મનમાં ઉદ્ભવી રહી છે.સૌથી અગત્યની બાબત એ છે કે, આ જાહેરનામામાં જૂના રસ્તા પર ભારે વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ લોકો જેમાં મુસાફરી કરે છે તેવા વાહનોને પુલ પરથી પસાર થવા દેવા અંગે કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. આનો સીધો અર્થ એ થાય છે કે સરકારને માનવજીવન કરતાં ભારે વાહનોમાં રહેલા માલસામાનની ચિંતા વધુ છે.આ તમામ વિગતોને ધ્યાનમાં લેતા, અમે ગુજરાત સરકારશ્રી સમક્ષ તાત્કાલિક આ બાબતે પુનર્વિચાર કરવા અને પ્રજાહિતમાં યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરીએ છીએ. પુલનું સત્વરે સમારકામ કરી, તેને મજબૂત બનાવી, અને વૈકલ્પિક રૂટની હાલાકીમાંથી મુક્તિ આપવી એ અત્યંત આવશ્યક છે.


