GODHARAGUJARATPANCHMAHAL

જિલ્લા વહીવટી તંત્ર અને GSRDC દ્વારા ગોધરાના ક્ષતિગ્રસ્ત બ્રિજનું યુદ્ધના ધોરણે સમારકામ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામ માટે ખાસ અભિયાન અમલી બનાવવામાં આવ્યું છે.

જે અંતર્ગત પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા નજીક આવેલા ગદુકપુર ગામ પાસેથી પસાર થતી મેસરી નદી પરના ઓવરબ્રિજનો માર્ગ જર્જરિત થતાં વાહનચાલકોની અનેક ફરિયાદો બાદ જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GSRDC) દ્વારા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

ચોમાસા અને સતત વાહનવ્યવહારના કારણે બ્રિજ પર ઊંડા ખાડા પડી ગયા હતા, જેનાથી વાહનચાલકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને અકસ્માતનો ભય પણ વધ્યો હતો. પ્રજાજનોની સુરક્ષા અને સુગમ માર્ગ વ્યવહારને ધ્યાનમાં રાખીને, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા અને GSRDCના સિનિયર ઈજનેરોની દેખરેખ હેઠળ બ્રિજ પરના ખાડાવાળા ડામરના પટ્ટાને બદલીને નવા વિયર કોટનું સમારકામ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ ઓવરબ્રિજ ૧૭૩ કિલોમીટર લાંબા હાલોલ-શામળાજી સ્ટેટ હાઈવેનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ હાઈવે મુંબઈ-દિલ્હી વચ્ચેના મુખ્ય વાહનમાર્ગ, નેશનલ હાઈવે ૪૮ સાથે જોડાયેલો છે. દરરોજ હજારો નાના-મોટા વાહનો આ માર્ગ પરથી પસાર થતા હોવાથી માર્ગને તીવ્ર ઘસારો પહોંચે છે. ભારે ટ્રાફિકવાળા આ માર્ગ પર થતી અકસ્માતોની શક્યતાઓ અટકાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.

દિલ્હી અને મુંબઈ વચ્ચેનું આ મુખ્ય જોડાણ સુગમ અને સલામત રહે, અને લોકોને અવરજવર દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ડામર પાથરવાનો અને માર્ગ સુધારણા સંબંધિત દરેક પાસાઓનો નિષ્ણાતોની દેખરેખ હેઠળ સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત, આગામી સમયમાં પણ માર્ગની સ્થિતિનું નિયમિત નિરીક્ષણ અને જાળવણી કરવા માટે એક ખાસ ટીમ નિમવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

આ દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર પ્રજાજનોની સલામતીને પ્રાથમિકતા આપશે અને જરૂરી હોય ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સ્થાનિક વાહનચાલકોને પણ સહકાર આપવા અપીલ કરી હતી અને સમજાવ્યું હતું કે થોડા દિવસોની અસુવિધા લાંબા ગાળે વધુ સારી અને સલામત મુસાફરી માટે અનિવાર્ય છે. આ સમારકામ કાર્ય પૂર્ણ થતા જ વાહનચાલકોને નોંધપાત્ર રાહત મળશે.

Back to top button
error: Content is protected !!