નવસારી માર્ગ અને મકાન વિભાગ ( પંચાયત )દ્વારા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત માર્ગને યુદ્ધના ધોરણે પુન:કાર્યરત કરવાની કામગીરી શરૂ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ


પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે. આ રસ્તા તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશા – દર્શનમાં માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને કડક સૂચના આપી છે.જે અનુસંધાને હાલમાં રોડ- રસ્તા રીપેર, ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જે અંતર્ગત નવસારી માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા જિલ્લામાં ક્ષતિગ્રસ્ત બનેલ રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કાર્યપાલક ઈજનેરશ્રી કે.એમ.પટેલએ જિલ્લામાં ચાલતા રસ્તાના સમારકામની સ્થળ મુલાકાત લીધી હતી.જેમાં આજરોજ ગણદેવી તાલુકાના નાંદરખા ગામના મુખ્ય માર્ગ જે ૪.૮ કી.મી છે ત્યાં કામગીરીનું સ્થળ નિરિક્ષણ કર્યું હતું. મુલાકાત સ્થળ પર કાર્યપાલક ઇજનેરશ્રીએ મરામત કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત કર્મચારીઓને રસ્તા મરામતની કામગીરી સત્વરે પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચના આપી હતી. આ અંગે વાત કરતા નવસારીના માર્ગ અને મકાન ( પંચાયત ) કાર્યપાલક ઇજનેરશ્રી કે .એમ પટેલ જણાવે છે કે રાજ્ય સરકાર દ્વારા વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓને ત્વરિત સમારકામ કરવાની સૂચના આપવામાં આવી છે. આ સૂચનાને ભાગરૂપે વરસાદ બંધ થતાં નવસારી જિલ્લાઓમાં મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ મરામતની કામગીરી અન્વયે અલગ અલગ રોડ રસ્તા પર મરામતની કામગીરી કરવામાં આવી રહી છે જેના નિરીક્ષણ અર્થે આજે સ્થળ મુલાકાત લીધી છે અને આ મરામતની કામગીરી સત્વરે પૂર્ણ થાય અને યોગ્ય તેમજ ગુણવત્તા સાથે થાય એ પ્રકારની કામગીરી કરવા સંબંધિતોને જરૂરી સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના અન્ય રસ્તા ઉપર પણ સમારકામ કામગીરી ચાલી રહી છે જે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.



