મહીસાગર જીલ્લામાં મયુર પ્રજાપતિ દ્વારા છેલ્લા ૮ વર્ષથી ૧૧,૦૦૦થી વધારે સાપોને રેસક્યુ કરી જીવ બચાવ્યો

ખાસ લેખ
આજે ૧૬ જુલાઇ એટલે- વિશ્વ સર્પ દિવસ
****
મહીસાગર જીલ્લામાં મયુર પ્રજાપતિ દ્વારા છેલ્લા ૮ વર્ષથી ૧૧,૦૦૦થી વધારે સાપોને રેસક્યુ કરી જીવ બચાવ્યો
******
મહીસાગર જિલ્લામાં નાગ, કાળોતરો, ખળચિતળો અને ફુરસો જેવા કુલ-૦૪ જેટલા ઝેરી સાપ જોવા મળે છે
*****
અમીન કોઠારી
મહીસાગર….
સાપ કુદરતનું અદ્ભૂત સર્જન છે. મોટાભાગના લોકો સાપથી ભય પામે છે. અંધશ્રધ્ધાઓ અને જાણકારીને અભાવે સામાન્ય રીતે લોકો બધા સાપને ઝેરી માને છે. ભારતમાં આંગળીના વેઢેગણી શકાય, તેટલા સાપ જ ઝેરી છે અને તે પણ આકસ્મિક સંજોગોમાં કે છંછેડવામાં આવે ત્યારે જ હુમલો કરે છે.
ભારતમાં દર વર્ષે સાપ કરડવાના કિસ્સા બંને છે તેનાથી મૃત્યુ પામનારની સંખ્યા ૧૦૦ વ્યક્તિએ ૩ વ્યક્તિ જેટલી જ થાય છે. ઘણા કિસ્સામાં વ્યક્તિ ગભરામણથી કે સમયસર યોગ્ય સારવાર ન મળવાથી જ મરણ પામે છે. યોગ્ય સારવાર મળે તો ૧૦૦% બચી શકાય. છતાં અભણ તો ઠીક પણ ભણેલી વ્યક્તિઓ પણ સાપ વિશેના વૈજ્ઞાનિક સત્યો માનવા તૈયાર નથી અને જ્યારે પણ સાપ જુએ ત્યારે મારી નાખે છે.
આજે આપણે જાણીતા વાઇલ્ડ લાઇફ ઍક્ટિવિસ્ટ અને “વાઇલ્ડ લાઈફ રેસ્ક્યૂ મહીસાગર” નામની ngo ચલાવતા શ્રી મયૂરભાઈ પ્રજાપતિ સાથે તેમના સાપ પકડવાની તાલીમ વિશે તથા સાપ પકડવાના તેમના હુનર વિષે વિસ્તાર પૂર્વક વાત કરી તથા સાપ દેખાય તો શું કરવું તથા સાપ કરડે તો શું કરવું તથા સાપની જાત વિષે વાત કરી હતી.
શ્રી મયુરભાઈ એ પોતાની સફરની પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે હું ૧૨ ધોરણ ભણતા ત્યારથી પ્રકૃતિ અને વાઇલ્ડ લાઈફ વિષે મને ખૂબજ પ્રેમ અને આકર્ષણ હતું ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના વાઇલ્ડ લાઈફ કેમ્પમાં સાપ પકડવા વિષેની તાલીમ મેળવી ત્યારથી સાપ પકડવાનું કાર્ય તેમને ઘણું રોમંચક લાગ્યું ત્યારબાદ સાપ વિષેના વાંચન કરી તેમણે સાપ વિષે માહિતી એકઠી કરી તેનો ગહન અભ્યાસ કરી સાપને રેસ્ક્યૂ કરવાના તથા અન્ય પાલતુ તથા જંગલી પ્રાણીઓને રેસક્યું કરવાના કામની તેમને શરૂઆત કરી તેમણે જણાવ્યું હતું કે પોતાના એન જી ઓ દ્વારા ૩૧ સાથીઓની ટીમ દ્વારા અત્યાર સુધી તેમણે ૧૦ થી ૧૨ હજાર જેટલા સાપને રેસ્ક્યૂ કરી તેમના જીવ બચાવ્યા છે.
તેમની સાથે વાત કરતાં તેમને વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં અંદાજે ૨૫૦ જેટલા ઝેરી-બિન ઝેરી સાપ જોવા મળે છે. જેમાથી ૫૦ જેટલા સાપ ઝેરી છે. જેમાં મહીસાગર જિલ્લામાં ૦૪ જેટલા ઝેરી સાપ જોવા મળે છે તેમાં નાગ ,કાળોતરો,ખળચિતળો, અને ફુરસો જેવા સાપ જોવા મળે છે આ પ્રકારના સાપ દેખાય તો તેનથી દૂર રહેવું વધુમાં તેમણે ઉમેરતાં કહ્યુ હતું કે કોઈપણ ઝેરી કે બિનઝેરી સાપ નજરમાં આવે તો વન વિભાગ તથા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યૂ કરતી સંસ્થાઓનો સંપર્ક કરવો.
જો સાપ કરડે તો તેના પ્રાથમિક ઉપચાર વિષે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે . ભુવા, જંતર-મંતર કે ઘરગથ્થુ ઉપાય કદાપી કરવા નહીં. સૌ પ્રથમ સર્પદંશવાળા ભાગને સાબુવાળા પાણીથી સારી રીતે ધોઈ નાખવો. ત્યારબાદ તે ભાગ પર ખૂબજ જંતુરહીત પાણી રેડવું. શક્ય તેટલું લોહી દંશ ભાગમાંથી નીકળી જવા દેવું. ત્યારબાદ દંશ ભાગને સ્વચ્છ કપડાથી સાફ કરી જંતુરહીત સ્વચ્છ બેન્ડેજથી ઢાંકી દેવો. હાથ, પગ અને અન્ય ભાગે જ્યાં દંશ થયેલ હોય તેના ઉપરના ભાગે (હૃદય બાજુએ) પાટો બાંધી દેવો. આ પાટો ધોતી કે સાડીનો ૬ કે ૮ ઈંચ પહોળો પાટો અંગ પર ચાર પાંચ વખત વીંટવો. આ પાટો એટલો ફીટ બાંધવો કે જેમાંથી આંગળી દાખલ કરી શકાય. ખૂબજ સખત રીતે પાટો ન બાંધવો. આ પાટાથી ઉપરના ભાગે લોહીનું પરિભ્રમણનું પ્રમાણ ઘટાડવાથી ઝેર શરીરમાં પ્રસરતું અટકે છે અથવા ધીમું પડે છે. દર્દીને જરાપણ હલન ચલન કરવા દેવું નહીં. હલનચલન કરવાથી લોહીનું પરિભ્રમણ વધવાથી શરીરમાં ઝેર ઝડપથી પ્રસરી શકે છે. ત્યારબાદ વધુ સમય ન બગાડતા તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં કે વિષ પ્રતિરોધક રસી રાખતા ડોક્ટર કે વાહનમાં લઈ જવો. સાપના દંશના ઝેરથી બચાવનો એકમાત્ર શ્રેષ્ઠ ઉપાય વિષ પ્રતિરોધક રસી (એન્ટી વેનમ સિરમ) છે.
અંતે કારકિર્દી વિષે વાત કરતાં મેહુલભાઈ એ જણાવ્યું હતું કે પોતે ૮ વર્ષથી આ એનિમલ રેસ્કયુનું કામ કરે છે જેમાં લગભગ ૧૫૦૦૦૦ જેટલા લોકોને તાલીમ આપી ચૂક્યા છે. સરકારશ્રી દ્વારા કેટલાક સમ્માન પત્રો પણ મેળવ્યા અંતે તેમણે જણાવ્યુ કે, મારા પ્રકૃતિ વિશેનો પ્રેમ જ છે જે મને વારંવાર આ કાર્ય તરફ ખેંચી જાય છે.





