
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૧૬ જુલાઈ : આધુનિક જીવનશૈલીમાં ખાંડ અને ખાંડયુક્ત ઉત્પાદનોનું સેવન વધતું જઇ રહ્યું છે. એક સમયે, ખાંડ માત્ર ખાસ પ્રસંગો અને ઘરની બનાવટનો હિસ્સો હતો, પરંતુ આજના યુગમાં તે દરેક ખોરાકમાં જોવા મળે છે. પેકેટ ફૂડ, પીણાં, ચટાકેદાર નાસ્તા, બ્રેડ, દહીં અને બીજા અનેક ઉત્પાદનોમાં વધતા ખાંડના સેવનને કારણે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે. જેથી ચરબી અને વજનમાં વધારો થાય છે. ખાંડ માત્ર ઉર્જા પૂરી નથી પાડતી પણ વધારે માત્રામાં તેનું સેવન કરતાં તે ડાયાબિટીસ, હૃદય રોગો અને હોર્મોનલ અસંતુલન જેવા ગંભીર આરોગ્ય સંબંધી સંકટ ઉભા કરી શકે છે.ખાંડનું સેવન માત્ર મીઠાઈમાં જ નથી, પણ તેનો છુપાયેલ રૂપ આજે ઘણા ફૂડમાં જોવા મળી રહ્યો છે. સુગર ફ્રી લખેલ તમામ ચીજવસ્તુઓ સ્વસ્થ નથી હોતી, આથી કોઈ પણ પેકેટ ખરીદતા પહેલાં તેમાં કેટલા પ્રમાણમાં ખાંડ છે તે ચકાસીને લેવું. ખાંડની જગ્યાએ ખજૂર, મધ અને ફળો જેવા કુદરતી વિકલ્પો પસંદ કરવા જોઈએ. પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને બહારની ડ્રિંક્સની જગ્યાએ ઘરે જ ફળનાં જ્યુસ કે લીંબુ પાણી પીવું જોઈએ. મેદસ્વિતાને રોકવા માટે માત્ર ખોરાક જ નહીં પણ શારીરિક પ્રવૃત્તિ કરવી પણ જરૂરી છે. જેટલું કેલેરી વાળો ખોરાક લો એટલું રોજ ચાલો, દોડો કે સાઈકલિંગ કરો જેથી વધારાની કેલેરી ઓગળવા લાગશે. અવારનવાર નાસ્તો કરવાને બદલે ભૂખ લાગે ત્યારે જ પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ. આ ઉપાયો સરળ છે પરંતુ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.


