BANASKANTHAGUJARATPALANPUR

અંતેવાસી બહેનનું પરિવાર સાથે મિલન કરાવતું પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર

17 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સાડા ત્રણ વર્ષ બાદ માનસિક અસ્થિર બહેનનું પરિવાર સાથે પુનઃમિલન થતા ભાવુક દૃશ્યો જોવા મળ્યા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા સંચાલિત પાલનપુર ખાતેના નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા એક માનસિક અસ્થિર બહેનને તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું છે. આશરે ૫૦ વર્ષીય સીતાબેન (નામ બદલેલ) છેલ્લા સાડા ત્રણ વર્ષથી પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાં આશ્રય લઈ રહ્યા હતા. સીતાબેનને પહેલા પાટણ સ્થિત સ્વધાર ગૃહ દ્વારા ટ્રાન્સફર કરી નારી સંરક્ષણ કેન્દ્ર, પાલનપુરમાં લાવવામાં આવ્યા હતા. તેઓ પોતાનું સરનામું કે પરિવાર વિશે કંઈપણ જણાવી શકતા નહોતા. પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રની ટીમે સતત માનસિક સારવાર અને કાઉન્સિલિંગ દ્વારા તેમની સ્થિતિમાં સુધારો લાવ્યો હતો. મેનેજરશ્રી નિલોફરબેનના પ્રયત્નો અને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર બાદ આ બહેન પોતાના પિયરનું સ્થળ આણંદ જિલ્લાના કઠાણા ગામ હોવાનું યાદ કરી શક્યા હતા. કઠાણા ગામના સરપંચ અને સ્થાનિક વૃદ્ધોના સહયોગથી જાણવા મળ્યું કે, આ બહેનનો પિયર પક્ષ ગામમાં રહેતી નથી. પરંતુ વધુ તપાસમાં તેમના સાસરી પક્ષનો સંપર્ક સાધી તેમના પતિ સાથે વાતચીત કરાઈ હતી. પુષ્ટિ મળ્યા બાદ વિડીયો કોલ મારફતે બંને વચ્ચે ભાવુક વાતચીત થઈ હતી. પરિવાર તરફથી સીતાબેન ગુમ થયાની પોલીસ ફરિયાદ પણ નોંધાવાઈ હતી.આધારકાર્ડ દ્વારા ઓળખપત્રોની ખાતરી બાદ, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની મંજૂરી બાદ સીતાબેનનું તેમના પતિ સાથે પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું. આ મિલન સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. પરિવારજનો અને સીતાબેનના પતિએ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી, નારી કેન્દ્રના સ્ટાફ તથા મેનેજરશ્રીનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. નારી સંરક્ષણ કેન્દ્રમાં ૧૮ થી ૫૯ વર્ષ વચ્ચેના પીડિત, અનાથ, દિવ્યાંગ, ઘરેલું હિંસાનો ભોગ બનેલી તેમજ માનવ તસ્કરીથી પીડિત બહેનોને આશરો આપવામાં આવે છે. તેમની માનસિક, શૈક્ષણિક અને આર્થિક પુનઃસ્થાપન માટે સેવાઓ અને તાલીમ આપવાનું કાર્ય સતત ચાલુ રહે છે.

Back to top button
error: Content is protected !!