Rajkot: નિરાધાર અને માનસિક અસ્થિર મહિલાને સુરક્ષિત આશ્રય અપાવતી અભયમ્ ટીમ
તા.૧૮/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
દડવી-ખરેડી રોડ પર ભટકતી પીડિતા માટે માનવીય અભિગમ દાખવ્યો
Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક દડવી-ખરેડી રોડ પર ભટકતી એક નિરાધાર અને માનસિક અસ્થિર મહિલાને ૧૮૧ અભયમ્ ટીમે માનવીય અભિગમ સાથે મદદ કરતા તેને સુરક્ષિત આશ્રય મળ્યો છે.
ગત તા. ૧૬ જુલાઈના રોજ બપોરે ૩:૩૪ કલાકે એક નાગરિકે ૧૮૧ હેલ્પલાઇનને ફોન કરીને, રોડ પર એક અજાણી મહિલાને મદદની જરૂર હોવાની જાણ કરી હતી. ગોંડલ સ્થિત ૧૮૧ અભયમ્ ટીમના કાઉન્સેલર શ્રી લતાબેન ચૌધરી, એ.એસ.આઇ.શ્રી પરવાનાબેન અને પાયલટ શ્રી લક્ષ્મણભાઈ તત્કાળ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
અભયમ્ ટીમે મહિલા પાસે જઈને સૌ પ્રથમ તેમને સાંત્વના આપી હતી. ત્યારબાદ તેમનું કાઉન્સેલિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પીડિતા તેમનું સરનામું કે તેમના વિશે કોઈ ચોક્કસ માહિતી આપી શક્યા ન હતા. તેઓ અલગ-અલગ ગામ અને સરનામા જણાવતા હતા. તેમજ રડતા હતા, રાડો પાડતા હતા અને “મને બધા હેરાન કરે છે” એમ વારંવાર બોલતા હતા. ફોન કરનારા વ્યક્તિ અને સ્થાનિક લોકોએ પણ પ્રયત્નો કર્યા પરંતુ મહિલા પાસેથી કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહીં.
ગામલોકોએ જણાવ્યું કે તેઓ સવારથી આ મહિલાને દડવી અને ખરેડી ગામના રોડ પર જોઈ રહ્યા હતા. જ્યારે પણ કોઈ તેમને પૂછપરછ કરવાનો પ્રયાસ કરતું, ત્યારે તેઓ ત્યાંથી ભાગી જતા હતા અને કંઈ બોલતા ન હતા. તેમની વર્તણૂક પરથી તેઓ થોડા માનસિક અસ્થિર જણાતા હતા.
અભયમ્ ટીમ પીડિતાને પોલીસ સ્ટેશન લઈ ગઈ, જ્યાં તેમણે લોધિકાનું નામ લીધું. બીટ જમાદારે લોધિકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને પીડિતાની માહિતી તથા ફોટો મોકલ્યો. તપાસ કરતાં લોધિકા પોલીસ સ્ટેશન પાસેથી જાણવા મળ્યું કે પીડિતાના માતા-પિતા અને પતિનું અવસાન થઈ ગયું છે અને તેમને વાલી-વારસ કોઈ નથી. તેઓ વર્ષોથી રઝળતું-ભટકતું જીવન જીવી રહ્યા છે અને તેમની માનસિક સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે.
આથી, ૧૮૧ અભયમ્ ટીમે પીડિતાને મા અમરઘામ આશ્રમમાં આશ્રય અપાવ્યો. આ માનવતાભર્યા કાર્ય બદલ સજ્જન વ્યક્તિ અને ગ્રામજનોએ અભયમ્ હેલ્પલાઇનની કામગીરીની પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કર્યો. આમ, ૧૮૧ અભયમ્ હેલ્પલાઇનની ટીમ સમાજમાં નિરાધાર અને જરૂરિયાતમંદ મહિલાઓને મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે.