રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: ઓગષ્ટથી 75 લાખથી વધુ રેશનકાર્ડધારકોને તહેવાર નિમિત્તે વધારાનું ખાદ્ય તેલ અને ખાંડ રાહત દરે મળશે

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ગુજરાત રાજ્ય સરકારે તહેવારો દરમિયાન ગરીબ અને આવકની દ્રષ્ટિએ પછાત પરિવારોને રાહત આપતા મહત્વનો નિર્ણય કર્યો છે. આવનારા ઓગષ્ટ મહિનાથી રાજ્યના 75 લાખથી વધુ રેશનકાર્ડધારકોને અનાજ વિતરણની સાથે સાથે ખાંડ અને ખાદ્ય તેલ પણ રાહત દરે વિતરણ કરવામાં આવશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે આ જાહેરાત કરી છે.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રિમંડળે નિર્ણય કર્યો છે કે અંત્યોદય અને BPL (બિલો પાવર્ટી લાઇન) પરિવારોને આગામી જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો વધુ સુખદ અને સુસંસ્કારમય બનાવી શકાય તે માટે વધારાનું ખાદ્ય તેલ અને ખાંડનું વિતરણ ખાસ રાહતદરે કરવામાં આવશે.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીએ જણાવેલ કે N.F.S.A. (નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ) હેઠળ આવતાં પરિવારો તેમજ Non-NFSA BPL કાર્ડધારકોને દર કાર્ડદીઠ 1 લિટર ડબલ ફિલ્ટર્ડ સીંગતેલ રૂ.100 પ્રતિ લિટરનાં રાહત દરે આપવામાં આવશે.
સાથે જ, BPL પરિવારોને વધારાની 1 કિલોગ્રામ ખાંડ રૂ.22 પ્રતિ કિલોગ્રામના દરે અને અંત્યોદય પરિવારોને 1 કિલોગ્રામ ખાંડ માત્ર રૂ.15ના ખાસ સબસિડાઇઝ્ડ દરે વિતરણ થશે. આ વિતરણ તહેવારના પૂર્વસંધ્યાએ શરૂ થશે અને તમામ લાભાર્થીઓ સુધી સમયસર પહોંચાડાશે.
રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, તહેવાર નિમિત્તે પોષણયુક્ત આહાર મળી રહે તે હેતુસર ચણાની દાળ કાર્ડદીઠ 1 કિલોગ્રામ રૂ.30ના દરે અને તુવેરદાળ રૂ.50 પ્રતિ કિલોગ્રામના રાહત ભાવે આપવામાં આવશે. ઉપરાંત મીઠું પણ દરેક લાભાર્થીને કાર્ડદીઠ 1 કિલોગ્રામ માત્ર 1 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવમાં અપાશે.
તહેવારની ઉજવણી પહેલાં જ સમગ્ર જથ્થો “સસ્તા અનાજની દુકાન” સુધી પહોંચાડી દેવાનો સરકારનો પ્રાથમિક હેતુ છે. તેથી ઓગષ્ટ-2025 માટેની ફાળવણી હાલમાં જુલાઈ-2025માં જ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર વિતરણ પ્રક્રિયા ‘ડોરસ્ટેપ ડિલિવરી’ના માધ્યમથી યોજાઈ રહી છે, જેથી કોઈ લાભાર્થી રહી ન જાય.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના જણાવ્યા મુજબ, રાજ્ય સરકાર કટિબદ્ધ છે કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળના તમામ લાભાર્થીઓને માત્ર અનાજ જ નહિ, પરંતુ પોષણયુક્ત આહાર અને તહેવારોની ઉજવણી માટે જરૂરી ખાદ્યસામગ્રી પણ સમયસર અને મર્યાદિત દરે ઉપલબ્ધ થાય.
આ યોજના માત્ર તહેવારોના આનંદને વધારવા માટે નહીં, પણ રાજ્યના નાગરિકોના પોષણ અને જીવન સ્તર ઉંચું લાવવા માટે એક સક્રિય પગલું છે.




