
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત રાજ્યના એક માત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે વિવિધ વિકાસલક્ષી કામોનું આયોજન કરવામાં આવે તેવી માંગ સાથે સાપુતારા હોટલ ઓનર્સ એસોસીએશન દ્વારા ગુજરાત રાજ્ય પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાને સંબોધતુ આવેદનપત્ર પાઠવ્યુ હતુ.જે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સાપુતારામાં ભૂગર્ભ ગટર યોજના ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવેલ છે.ત્યારબાદ સાપુતારાનો વિકાસ થયેલ હોવાથી તેની ક્ષમતા આજની તારીખે પુરતી નથી તે બાબતે પાણી પુરવઠા અને ગટર વિભાગ,ડાંગ દ્વારા નવીન કામો કરી તેને સુધારવા માટેની દરખાસ્ત સુરતના ચીફ એન્જીનીયરને કરવામાં આવેલ છે.આ દરખાસ્તને સત્વરે પૂર્ણ કરી મંજુર કરી તે અંગે વહીવટી મંજુરી મળેથી ટેન્ડર પ્રક્રિયા નું કામ હાથ પર લેવું ખૂબ જ જરૂરી છે ગટર લીકેજ, ગટર ચોકઅપ, લાઈનો તૂટવી લાઈનો ઉભરાવી વિગેરે પ્રશ્નો ઘણા વખતથી ચાલુ છે,જેનો અંત લાવવો જરૂરી છે.સાપુતારામાં દરેકને પૂરતા પ્રમાણમાં ફીલ્ટર પાણી, પાણી પુરવઠા વિભાગ દ્વારા પહોંચાડવામાં આવતુ નથી.જેથી કરીને લગભગ દરેક મોટી જરૂરિયાતવાળાઓને લેકમાંથી રૉ-વોટર સ્વખર્ચે પાઇપ લાઈન નાખી પંપીંગ કરી ફિલ્ટર કરી વાપરવુ પડે છે. અને તેનો પણ વિભાગ દ્વારા મીટર મુકી ફીલ્ટર પાણીનો રેટ લગાવી ચાર્જ લેવામાં આવે છે. તો દરેકને પૂરતા પ્રમાણમાં ફીલ્ટર પાણી પુરવઠા વિભાગ દ્વારા સપ્લાય કરી શકાય તે માટે હયાત પાણી ફીલ્ટર અને સપ્લાય સીસ્ટમમાં નવીનીકરણ કરવાની ખાસ જરૂરિયાત છે.ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સાથે સાપુતારા હોટલ એસોસિએશનનાં હોદેદારો દ્વારા સાપુતારા ખાતે વિવિધ વિકાસલક્ષી કામોનાં આયોજન માટે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાને આવેદનપત્ર પાઠવ્યુ હતુ..



