GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

શ્રમિકોના હિતોના રક્ષણ માટે અમદાવાદમાં યોજાઇ મીટીંગ

 

એમ કહેવાય છે કે રાષ્ટ્ર નિર્માણના પાયામાં શ્રમ હોય છે, શ્રમથી જ સર્જન થાય છે ત્યારે શ્રમિકો એ રાષ્ટ્રની સંપદા છે અને શ્રમિકોના મુલ્યો તેઓની જહેમતને સર્વોચ્ચ સ્થાન અવશ્ય મળવું જ જોઇએ આવા જ હેતુ માટે શ્રમિકોની મીટીંગ મળી હતી


સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે ગત તારીખ ૨૬/૭ ના અસંગઠીત શ્રમિક હિત રક્ષક મંચના ઉપક્રમે   ગુજરાત ફેક્ટરી (એમેન્ડમેન્ટ) વટહુકમ -૨૦૨૫  અને OHS Code-2020  હેઠળના  રાજ્ય સરકારે પ્રસિધ્ધ કરેલ નિયમોની  શ્રમિકો ઉપર પડનારી દૂરોગામી  અસરો ઉપર ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.  ચર્ચામાં  સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના પદાધિકારીઓ, ઇન્ડિપેન્ડન્ટ ટ્રેડ યુનિયનના હોદ્દેદારો અને મજૂર કલ્યાણ પ્રવૃતિ સાથે જોડાયેલી સામાજિક  સંસ્થાઓના પદાધિકારીઓ વિગેરે મળીને ૫૦ આગેવાનો અને પ્રતિનિધિઓ  ઉપસ્થિત રહ્યા હતા.

૧ લી  જુલાઇ ૨૦૨૫ ના રોજ રાજ્ય સરકાર દ્વારા બહાર પડાયેલ વટહુકમમાં  દૈનિક કામના કલાકો  ૯ થી વધારીને ૧૨ કલાક, ઓવરટાઈમ કલાકોની ત્રિમાસિક મર્યાદા હાલમાં ૭૫ કલાક છે તે વધારીને ૧૨૫ કલાક, (કામદારની સંમતિને આધીન ) અને  મહિલાઓને રાતપાળીમાં  કેટલીક શરતો સાથે કામ કરવાની  છૂટ  આપવામાં આવી છે.

ચર્ચામાં ઉપસ્થિત મજૂર સંઘોના આગેવાનોએ આ વટહુકામની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ઈઝ ઓફ ડુઇંગ બીઝનેસ, આર્થિક પ્રવૃતિને વેગ આપવા અને રોજગારીમાં વધારો કરવાનું બહાનું આગળ ધરીને  આ વટહુકમ દ્વારા  માલિકોને મજૂરોનું શોષણ કરવાનો કાયદેસરનો પરવાનો આપી દીધો છે, આમેય રાજ્યમાં ૧૨ કલાકનું કામ કરાવવાનો શિરસ્તો બની જ ગયો હતો ત્યારે  હવે આ વટહુકમ દ્વારા તેને કાયદેસરનું  સ્વરૂપ આપવામાં આવ્યું છે. વધુમાં, આગેવાનોએ જણાવ્યું હતું કે એવી તો કેવી રાજ્યમાં એવી તે કેવી આર્થિક કટોકટી આવી ગઈ કે રાજ્યના અગ્રગણ્ય ટ્રેડ યુનિયનો સાથે ચર્ચા કર્યા વિના વિધાનસભા સત્ર પહેલા ફેક્ટરી એક્ટમાં સુધારો કરવા  વટહુકમ બહાર પાડવો પડે ? દૈનિક  ૮ કલાક કામ કરવાના ILO C001,1919  Hours of work (Industry) કન્વેન્શનને ભારત સરકારે સ્વીકાર્યો છે ત્યારે આ સુધારો શ્રમિકોના બુનિયાદી અધિકાર ઉપર સીધો હુમલો  છે. હકીકતમાં કેન્દ્ર સરકાર સેન્ટ્રલ ટ્રેડ યુનિયનોના સખત વિરોધને લઈને ચાર લેબર કોડ લાગુ કરી  શકી નથી તેથી હવે રાજ્ય સ્તરે કાયદામાં સુધારા અને નોટિફિકેશન દ્વારા નોકરીદાતાઓને અનુકૂળ રહે તેવા સુધારાઓ પાછલા બારણે લાવવામાં આવી રહ્યા છે.

દૈનિક કામના ૧૨ કલાકની સીધી અસરો કામદારોની રોજગારીમાં તો ઘટાડો થશે જ ઉપરાંત પ્રદૂષણયુક્ત અને ઘોંઘાટવાળા કામના વાતાવરણને કારણે કામદારોનું  સ્વાસ્થય જોખમાશે અને અકસ્માતોનું પ્રમાણ પણ વધી જશે. મહિલાઓના જાતીય શોષણના  કિસ્સાઓ રાજ્યમાં વધી રહ્યા છે ત્યારે રાત્રિ પાળીમાં કામ કરતી   મહિલાઓના રક્ષણ માટે જે  જોગવાઈ કરવામાં આવી છે તેનું  પાલન થશે ખરું? જોગવાઈઓનું પાલન નહીં કરનારની સામે ફોજદારી ગુનો દાખલ થશે ખરો?

આ બેઠકમાં જો રાજ્ય સરકાર મજૂર વિરોધી આ વટહુકમને પાછો નહીં ખેંચે તો  સમગ્ર ટ્રેડ યુનિયનોની સંકલન સમિતિ દ્વારા રાજ્યમાં  ઉગ્ર આંદોલન કરવાનું  નક્કી કરવામાં આવ્યું છે. આજની  બેઠકમાં ઇનટુક-ગુજરાતનાં પ્રમુખ નૈષધ દેસાઇ, સીટુ -ગુજરાતનાં મહામંત્રી અરુણ મહેતા, હિન્દ મજદૂર સભા-ગુજરાતનાં પ્રમુખ જયંતી પંચાલ , હિન્દ મજદૂર કિસાન પંચાયત ના મહામંત્રી અસીમ રૉય, ગુજરાત મજદૂર સભાના મહામંત્રી એડવોકેટ અમરીશ પટેલ, સેવાના કૈલાસબેન રાજપાલ , મજૂર મહાજન સંઘ-પેટલાદના અરુણભાઈ દેસાઇ, મજૂર મહાજન સંઘ -જામનગરના પંકજ જોશી, અસંગઠીત કામદાર મહાસંઘના અશોક પંજાબી, પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચના શરદ જગડે, ડાયમંડ વર્કસ યુનિયનના ભાવેશ ટાંક, મજૂર અધિકાર મંચના રમેશ શ્રીવાસ્તવ, હમાલ સુરક્ષા સંઘના પણલાલ મેઘવાળ, ફોરેસ્ટ વર્કસ યુનિયનના પ્રવીણ વ્યાસ , શ્રમજીવી સમાજ-ચંદ્રકાંત પટેલ, અમદાવાદ કામદાર સુરક્ષા અભિયાનના સુનિલ રાજ  અને અન્ય ટ્રેડ યુનિયન અને સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન બાંધકામ મજદૂર સંગઠનના વિપુલ પંડયાએ કર્યું હતું.

__________________

regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

Back to top button
error: Content is protected !!