
નર્મદા : કેવડિયા કાર્નિવલ-૨૦૨૫ અંતર્ગત જિલ્લા કલેકટર એસ. કે. મોદીએ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી
રાજપીપલા : જુનેદ ખત્રી
કેવડિયા કાર્નિવલ-૨૦૨૫ અંતર્ગત આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ “નર્મદાના તીરે, સૂર સમીપે” થીમ પર આધારિત ભવ્ય સાંસ્કૃતિક સંધ્યા પૂર્ણ થયે નર્મદા જિલ્લા કલેકટરશ્રી એસ. કે. મોદી દ્વારા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા લગાવવામાં આવેલા માહિતીપ્રદ સ્ટોલ્સની મુલાકાત લેવામાં આવી હતી.
આ પ્રસંગે નર્મદા જિલ્લા કલેકટર એસ. કે. મોદીએ જણાવ્યું કે, પ્રસિદ્ધ લોકગાયિકા ઉર્વી રાઠવા અને હિમાલી વ્યાસ નાયકની મર્મસ્પર્શી સૂરાવલીએ કાર્યક્રમની સફળ બનાવ્યો છે. સમગ્ર કાર્યક્રમ એક યાદગાર અનુભવ બન્યો છે. આવા કાર્યક્રમો સંગીતપ્રેમીઓ સાથે સાથે સમાજને પણ સંસ્કૃતિ સાથે જોડે છે.
હસ્તકલા અને સ્થાનિક ઉત્પાદનોના સ્ટોલ્સની પણ મુલાકાત કલેકટરએ લીધી હતી. તેમણે ઉમેર્યું કે, આ બહેનો આજે આત્મનિર્ભર ભારતનું ચિત્ર જીવંત કરી રહી છે. આવા મંચો તેમની કલાને ઓળખ અને આત્મવિશ્વાસ બંને આપે છે, જે નારીશક્તિના સશક્તીકરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મિશન મંગલમ જૂથના સહયોગથી સ્થાનિકોને સ્વરોજગારીની તકો ઉભી થાય છે. જેથી તેમના જીવનમાં ગુણાત્મક અને આમૂલ પરિવર્તન આવે.કલેકટરએ યોજનાકીય માહિતી, સરકારી સેવાઓ અને નાગરિક લાભના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે લગાવવામાં આવેલા વિવિધ વિભાગોના સ્ટોલ્સની નોંધ લઈને પ્રશંસા કરી હતી.
કાર્યક્રમ સ્થળે આરોગ્ય, વન વિભાગ, ખેતી-પશુપાલન, મહિલા અને બાળ વિકાસને સુનિશ્ચિત કરતી આઈ. સી. ડી. એસ. વિભાગના સ્ટોલ્સ, પોલીસ વિભાગ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી – ઓથોરિટી દ્વારા ઉભા કરાયેલા સ્ટોલ્સનો લાભ સ્થાનિક નાગરિકો, તેમજ પ્રેક્ષકોએ પણ લીધો હતો.
*આદિવાસી લોકસંસ્કૃતિને ઉજાગર કરતુ આદિવાસી નૃત્ય*
આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને લોકજીવનની ઊંડાણપૂર્વક અભિવ્યક્તિ એટલે તેમનું નૃત્ય. કેવડિયા કાર્નિવલ-૨૦૨૫ અંતર્ગત આયોજિત મોન્સૂન ફેસ્ટિવલમાં આદિવાસી કલાકારોએ પ્રસ્તુત કરેલું પરંપરાગત નૃત્ય પ્રેષકો માટે અનોખો અનુભવ રહ્યો હતો. ઢોલ-નગારાની તાલ પર મનમોહિત કરી દેતી કંપનભર્યા નૃત્યએ આદિવાસી જીવનશૈલી અને કુદરત સાથેના સંવાદને મંચ પર જીવંત ઉતાર્યો હતો.



