
વાત્સલ્યમ સમાચાર
નવસારી
નારી સંરક્ષણ કેન્દ્ર ખુંધ,ચીખલીની સરાહનીય કામગીરી કરવામાં કરી રહી છે. જ્યાં સમાજ હંમેશાં મહિલાઓના હિતની વાત હોય છે ત્યાં નારી સંરક્ષણ કેન્દ્ર એ એક જીવંત આશા બને છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંધ ગામ ખાતે આવેલ નારી સંરક્ષણ કેન્દ્ર એ આવી જ એક માનવતા ભરેલી ઘટનાની સાક્ષી બન્યું છે, જ્યાં એક યુવતીને ભવિષ્યમાં નવી દિશામાં આગળ વધવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે અને સુરક્ષિત રીતે પોતાના વતનના સખી વન સ્ટોપ સેન્ટર બ્રહ્માપુર ખાતે મોકલવામાં આવ્યા છે.સગીર વયની ઉંમરે ઘરના વિરોધ છતાં, પ્રેમ માટે ઓરિસ્સાથી સુરત સુધીનું સફર કરનારી એક યુવતી આજે નારી સંરક્ષણ કેન્દ્ર ખુંધના સહયોગથી પોતાના ભવિષ્યના સપનાને સાકાર કરવા સખી વન સ્ટોપ સેન્ટર, બ્રહ્માપુર (જિ.ગંજામ, ઓરિસ્સા) ખાતે નવી શરુઆત કરી રહી છે, પરંતુ તેમની આ યાત્રા સરળ ન હતી.પ્રેમ સંબંધના કારણે ઘરના તિરસ્કારની ભોગ બનેલી યુવતીને પોતાનો સહારો મળી ન શક્યો જયારે તેને પોતાના જ સ્વજનો અને પરિવારની ખુબ જરૂર હતી તેવા સમયે સુરત રેલવે સ્ટેશન પર પ્રેમી નહી આવતા યુવતીનું રેસ્ક્યૂ AHTU (Anti Human Trafficking Unit), ક્રાઈમ બ્રાંચ સુરત દ્વારા કરવામાં આવ્યું હતું. યુવતી ત્યારે ૧૮ વર્ષથી નાની હોવાથી સુરતના ચિલ્ડ્રન હોમ, રાંદેર ખાતે મુકવામાં આવી હતી.ત્યારબાદ યુવતી જ્યારે પુખ્ત ઉંમરની થઇ ત્યારે તેને સુરતના નારી સંરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવી હતી પણ ત્યાં નવા મકાનનું નિર્માણ ચાલતું હોવાથી તેણીને નવસારી જિલ્લાના નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ, ચીખલી ખાતે લાવવામાં આવ્યા હતા. નારી સંરક્ષણ કેન્દ્રમાં રહેતી વખતે સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ અને હૂફથી યુવતીને નવી આશા જાગી અને પોતાનું ભવિષ્ય ઘડી શકવાની તાકાત અનુભવી. તેણીએ આગળના અભ્યાસ માટે પોતાના વતન પાછા જવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ વતનમાં રહેતા પોતાના માતાપિતા તરફથી સહમતી ન મળતા તેણીએ સ્વૈચ્છાએ સખી વન સ્ટોપ સેન્ટર, બ્રહ્માપુર ખાતે રહેવા અને ભવિષ્ય ઘડવાનું નક્કી કર્યું હતું .યુવતીની ટ્રાન્સફર અરજી તેમના વતન ઓરિસ્સાના બ્રહ્માપુર કેન્દ્ર તરફથી મંજૂરી પ્રાપ્ત થતા નારી સંરક્ષણ કેન્દ્ર ચીખલી દ્વારા જરૂરી વહીવટીતંત્ર સાથેનું સંકલન કરવામાં આવ્યું હતું અને સુરક્ષા સાથે તેમના વતન રવાના કરી તેણીને સુરક્ષિત રીતે ઓરિસ્સાના બ્રહ્માપુર કેન્દ્ર સખી વન સ્ટોપ સેન્ટરને સોપવામાં આવી હતી.
આ ઉચ્ચ માનવિય કામગીરી કરવા બદલ નવસારી જિલ્લા કલેકટરશ્રી દ્વારા નારી સંરક્ષણ કેન્દ્ર, ખુંધ, ચીખલીની ટીમને અભિનંદન આપવામાં આવ્યા હતા. સાથે જ ઓરિસ્સાના બ્રહ્માપુરના સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક દ્વારા કેન્દ્રના મેનેજર ભાવિનાબેન આહિરનો વિશેષ આભાર માન્યો હતો.



