
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા.30 જુલાઈ : મુન્દ્રા તાલુકાના ઝરપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. મેહુલ બલદાણીયા અને ડૉ.રુચિતાબેન ધુઆના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર ધ્રબ દ્વારા તાજેતરમાં રામજી વાડી અને વલસરા બેલા પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ કિશોર વયના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને સુધારવાનો અને તેમને આરોગ્ય સંબંધિત જાગૃતિ પૂરી પાડવાનો હતો.
આ કેમ્પમાં સી.એચ.ઓ. ડૉ. હસનઅલી આગરીયા, એડોલેસેન્ટ હેલ્થ કાઉન્સેલર મહેન્દ્ર વાઘેલા, લેબ-ટેક ઋષિતા દાણી, આરોગ્ય કાર્યક્રમ નિકુલ પરમાર, નિતુબેન મકવાણા અને આશા કાર્યકરો દ્વારા વિવિધ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત નિષ્ણાંતો દ્વારા પોષણયુક્ત આહારના મહત્વ અંગે સમજૂતી આપી, અને એનિમિયા વિશે વિસ્તૃત જાણકારી પૂરી પાડી, જેમાં લોહતત્વની ગોળીના ઉપયોગ વિશે પણ માર્ગદર્શન અપાયું હતું.
વિશેષ રૂપે આ કેમ્પમાં કિશોરીઓ માટે માસિક સ્વચ્છતા અંગે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. સેનેટરી પેડ્સના યોગ્ય ઉપયોગ અને તેના નિકાલની પદ્ધતિ વિશે માહિતી આપીને જાગૃતિ લાવવામાં આવી, અને સેનેટરી પેડ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું. આ ઉપરાંત, કિશોરાવસ્થામાં જોવા મળતા શારીરિક બદલાવો વિશે પણ વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા, જેથી તેઓ તેમના શરીરમાં થતા ફેરફારોને સમજી શકે.
કાર્યક્રમના અંતે, આશરે 81 જેટલા કિશોર-કિશોરીઓનું સંપૂર્ણ આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેમના બ્લડ ગ્રુપની પણ તપાસ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ, પારૂલબેન આહિર, સુરૈયાબેન, વિજયભાઈ અને સમગ્ર સ્ટાફનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત ધ્રબના સરપંચ જરીનાબેન અસલમ તુર્ક અને ગ્રામ પંચાયતની સમગ્ર ટીમના સાથ સહકારથી આ આરોગ્ય કેમ્પ ખૂબ જ સફળ રહ્યો હતો.



