વાત્સલયમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઇ ની શેઠ જી.સી. હાઈસ્કૂલ 99 વર્ષ પૂર્ણ કરી 100 મા વર્ષ મા પ્રવેશ કરતા શાળાના ટ્રસ્ટ મંડળ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરાઇ હતી તાલુકાના પિલવાઇ ગામમાં સૌ પ્રથમ શાળાની શરૂઆત 1લી ઓગસ્ટ, 1927માં મા જી.સી. સ્કૂલ હાઈ સ્કુલ નો પાયો નાખવા મા આવ્યો હતો જેને 99 વર્ષ સુધી અડીખમ રહી શાળા ઘણા લોકોને શિક્ષણ પૂરું પાડ્યું છે. શેઠ જી.સી સ્કૂલના 99મા સ્થાપના દિવસની ઉજવણી ગૌરવપૂર્વક અને આનંદ ઉલ્લાસથી થાય એ માટે સમગ્ર શાળા પરિવાર ટ્રસ્ટી મંડળ ખુબજ ઉત્સાહિત હતો. અને એટલે જ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ આ દિવસે જુદાં જુદાં ગીતો અને નૃત્યની પ્રસ્તુતિ કરીને સહુનાં મન મોહી લીધાં હતાં. આ અવસરે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ માટે વેડા ( પિલવાઇ )ના વતની અને દેડિયાપાડા સ્થિત સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી અને હાલમાં એન્જિનિયર તરીકે કાર્યરત મહેશ એમ. જાનીએ પચીસ હજાર રૂપિયાનાં વિવિધ ઈનામો બાળકો ને આપ્યાં હતાં.આ કાર્યક્રમમાં શિક્ષણવિદ્ અને લેખક – પત્રકાર પ્રો. ડૉ. કાર્તિકેય ભટ્ટે ઉપસ્થિત રહ્યા હતા તેઓએ પોતાની શૈલી દ્વારા વિદ્યાર્થીઓને હળવી પણ હાસ્યથી ભરપૂર વાતો કરીને તરબોળ કર્યા હતા. સ્કૂલ ના સંચાલક ડૉ. યશોધર હ. રાવલે કાર્યક્રમ ઉપસ્થિત મહાનુભાવોના પરિચયની સાથે જી.સી. સ્કૂલની ભવ્યતાની ઝાંખી કરાવતાં જણાવ્યું હતું કે, ” જી.સી. એ સ્કૂલની માત્ર ઇમારત નથી, પણ આપણી કેળવણીની વિરાસત છે.”
શાળા સંકુલમાં નવનિર્મિત શ્રી સુંદરલાલ મંગળદાસ શાહ સાંસ્કૃતિક ભવનમાં આયોજીત આ સમારોહમાં પિલવાઈના સરપંચ મહેન્દ્રસિંહ વિહોલ અને ઉપસરપંચ બળવંતસિંહ વિહોલે પોતાનો ઉમળકો વ્યક્ત કરીને ગામના જ નહિ, પરંતુ સમગ્ર જિલ્લાના ઘરેણાસમી શાળાની યાદો રજૂ કરી હતી. પૂર્વ વિદ્યાર્થી અને ગાયક – સંગીતકાર ડૉ. સદ્દામહુસેન સિપાઈએ મજેદાર ગીતો રજૂ કરીને વાતાવરણને આહ્લાદક બનાવ્યું હતું. આ કાર્યક્રમ ને સલાહકાર મંડળના સહમંત્રી જયંતીભાઈ પટેલ સ્કૂલનાં ઇન્ચાર્જ આચાર્યા સુનિતાબેન ખરાડી, સ્કૂલનાં સલાહકાર અને નિવૃત્ત આચાર્યા શોભાનાબેન શાહ અને પ્રાથમિક વિભાગનાં આચાર્યા કૃણાલ ઠાકર એ સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. શાળા સ્ટાફના મિત્રોએ સ્થાપના દિવસની ઉજવણીનું સુંદર આયોજન કર્યું હતું. તરલિકાબેન પટેલે સમગ્ર કાર્યક્રમનું સુપેરે સંચાલન કર્યું હતું. સ્કૂલના સુપરવાઇઝર કલ્પેશભાઈ પટેલે સંસ્થાનો સુંદર પરિચય આપ્યો હતો. સિનિયર શિક્ષક ધનેશ્વર ગામીતે સમાપનમાં ઉપસ્થિત મહાનુભાવો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. 99મા સ્થાપના દિવસની ઉજવણીને વિદ્યાર્થીઓએ યાદગાર બનાવી હતી. આવતા વર્ષે યોજાનાર શતાબ્દી મહોત્સવના ટ્રેલર જેવી ઉજવણીથી શાળા પરિસર શોભી ઊઠ્યું હતું.