વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો

૬ ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
અધ્યક્ષશ્રી તથા મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોના હસ્તે બનાસકાંઠા વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓનું કરાયું સન્માન
કર્મયોગીઓ દ્વારા ટીમ વર્ક સાથે ફિલ્ડમાં ઊતરી જે પ્રમાણે કામગીરી કરી છે તે સરાહનીય:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી જિલ્લાવાસીઓએ ફૂડ તથા લિવિંગ હેબિટ બદલવી પડશે ભોજનને પ્રસાદ રૂપે લેવું જોઈએ:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે:- મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તથા કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકા ટાઉન હોલ, પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો. તાજેતરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદને રાજ્ય કક્ષાનો પ્રથમ પુરસ્કાર એનાયત થયો હતો જેના ઉપક્રમે આ સન્માનના સાચા કર્મયોગીઓનું સન્માન કરાયું હતું. એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદ તાલુકામાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગીઓનું અધ્યક્ષશ્રી તથા મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓના મહેનતના પરિણામે આજે થરાદને ગૌરવ મળ્યું છે. થરાદને અગ્ર હરોળમાં લાવવા માટે આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, પંચાયત સહિતના વિભાગોના કર્મયોગીઓ દ્વારા ટીમ વર્ક સાથે ફિલ્ડમાં ઊતરી જે પ્રમાણે કામગીરી કરી છે તે સરાહનીય છે. અધ્યક્ષશ્રીએ તમામ કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા હતા. અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે, થરાદ સહિત બનાસકાંઠા જિલ્લો આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે. ખેતીવાડી અને પશુપાલનમાં નવા સંશોધનો થઈ રહ્યા છે. જિલ્લામાં વૃક્ષારોપણ સહિત જળસંચયના કાર્યો થઈ રહ્યા છે. તેમણે કિશોરીઓ, ધાત્રી તથા સગર્ભા માતાઓ માટે સુપોષણ તરફ આગળ વધવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સામાજિક માન્યતાઓના લીધે કોઈપણ વ્યક્તિ સરકારી લાભથી વંચિત ના રહે તે જરૂરી છે. જિલ્લાના નાગરિકોએ પ્રોટીન, મિનરલ સહિતનો સંપૂર્ણ ખોરાક માટે ફૂડ હેબિટની તથા લિવિંગ હેબિટની ટેવ પાડવી જોઈએ. ગમે તેવું નહીં પણ પ્રસાદના રૂપે ભોજન લેવું જોઈએ.કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. વિશ્વમાં ભારત આજે ચોથી અર્થવ્યવસ્થા બની છે. નાગરિકોની ૨ લાખ ૭૩ હજારથી વધુ માથાદીઠ આવક થઈ છે. સમગ્ર દેશમાં ૫૦૦ એસ્પિરેશનલ બ્લોક પૈકી ગુજરાતમાં ૧૩ તાલુકાનો સમાવેશ થાય છે. થરાદ તાલુકાને મળેલ ગોલ્ડ મેડલ પાછળ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓની મહેનતનું ફળ છે. જેમાં થરાદ બ્લોકે તમામ ઇન્ડિકેટર્સમાં ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરી છે. થરાદ આજે રાજ્યમાં પ્રથમ ક્રમાંકે તથા દેશમાં છઠ્ઠા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું છે. અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સહિતના મહાનુભાવોના હસ્તે બનાસકાંઠા વહીવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓને મેડલ સહિત પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોદન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આઈ.શેખ દ્વારા કરાયું હતું તથા આભાર વિધિ જિલ્લા આયોજન અધિકારીશ્રી પરમાર દ્વારા રજૂ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, એસ્પિરેશનલ બ્લોક હેઠળ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જુલાઈ-૨૦૨૪થી સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીના ત્રણ માસ દરમિયાન આયોજિત “સંપૂર્ણતા અભિયાન”માં બનાસકાંઠા જિલ્લામાં આશાજનક કામગીરી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત નક્કી કરાયેલા ૬ ઇન્ડિકેટર્સમાંથી એસ્પિરેશનલ બ્લોક થરાદ તાલુકામાં તમામ કુલ ૬ ઇન્ડિકેટર્સમાં સેચ્યુરેશનની સિદ્ધી હાંસલ કરાઈ હતી. કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, એ.પી.એમ.સી ડીસાના ચેરમેનશ્રી ગોવાભાઈ દેસાઈ, જિલ્લા અગ્રણીશ્રી કનુભાઈ વ્યાસ, શ્રી ડી.ડી.રાજપૂત સહિત જિલ્લાના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.










