‘વિશ્વ સિંહ દિવસ’-૨૦૨૫ ગુજરાતમાં આવેલું ‘બરડા વન્યજીવ અભયારણ્ય’ : એશિયાટિક સિંહ માટેનું વૈજ્ઞાનિક અને વ્યૂહાત્મક સંરક્ષણ રહેઠાણ
વર્ષ ૨૦૨૫ની ગણતરી મુજબ બરડામાં કુલ ૧૭ સિંહોની હાજરી નોંધાઈ

બરડો અભયારણ્ય ૨૬૦થી વધુ પ્રાણીઓ-જળચર પક્ષીઓનું નિવાસ્થાન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
પોરબંદર : ‘બરડા વન્યજીવ અભયારણ્ય’, જેને સ્થાનિકોમાં ‘બરડો’ તરીકે ઓળખવામાં આવે છે, આ સ્થળ ગુજરાતના પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં આવેલા અતિમહત્વપૂર્ણ જૈવવિવિધતાવાળા પ્રદેશોમાંથી એક છે. 
‘એશિયાટિક સિંહ’ એ ગુજરાત અને ભારતની શાન છે, ગુજરાતના એશિયાઈ સિંહ રાજ્યનું ઘરેણું છે. 
દર વર્ષે તા. ૧૦ ઓગસ્ટે ગુજરાત સહિત વિશ્વભરમાં ‘વિશ્વ સિંહ દિવસ’ ઉજવવામાં આવે છે. એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે વન મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના માર્ગદર્શનમાં વ્યાપક અને પરિણામલક્ષી પગલા સતત લેવાઈ રહ્યા છે. 
બરડો અભયારણ્ય લગભગ ૧૯૨.૩૧ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. 
પર્યાવરણીય મહત્વ :
અહી ૬૫૦થી વધુ વનસ્પતિઓની જાતિઓ નોંધાયેલી છે, જેમાં ઔષધીય છોડ, શાકાહારી ઘાસ અને ઇમારતી વૃક્ષોનો સમાવેશ થાય છે . આ ઉપરાંત, અહીંની જીવસૃષ્ટિમાં ચિતલ, સાંભર, નિલગાય, જંગલી ભૂંડ, શાહુડી, ઝરખ અને દિપડા નિયમિત પણે જોવા મળે છે. સાથે ગીઘ, ગરુડ અને સ્થળાંતર કરનાર જળચર પક્ષીઓ સહિત ૨૬૦ થી વધુ પ્રજાતિઓ પણ અહી જોવા મળેલ છે જે શાકાહારી તથા માંસાહારી પ્રાણીઓ એમ બંને માટે ઉપયોગી નિવાસ સ્થાન બનાવે છે.
સિંહની પુનઃસ્થાપના – કુદરતી વસવાટ અને વ્યવસ્થિત પુનઃપ્રસ્તાવના :
વર્ષ ૧૮૭૯ બાદ બરડામાંથી એશિયાટિક સિંહ લુપ્ત થઇ ગયા હતા. Habitat અને Prey Availability (શિકાર પ્રાણીઓની હાજરી) સુધારવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં જટિલ વિજ્ઞાન આધારિત વ્યવસ્થાઓ અમલમાં મૂકાઈ છે. તેના પરિણામે, વર્ષ ૨૦૨૩માં એક પુખ્ત નર સિંહ કુદરતી રીતે બરડામાં પ્રવેશી સ્થાયી થયો.
સ્વનિર્ભર સિંહ સમૂહ વિકસે તે માટે વૈજ્ઞાનિક માર્ગદર્શન હેઠળના કાર્યક્રમમાં ગુજરાત વન વિભાગ દ્વારા વિસ્તૃત આરોગ્ય તપાસણીઓ અને વર્તણૂક મૂલ્યાંકન બાદ પાંચ પુખ્ત માદા સિંહને બરડા વિસ્તારમાં સ્થળાંતરીત કરવામાં આવી. આ સુઆયોજિત પ્રજાતિ મજબૂતીકરણ(species reinforcement)ના પગલે કુદરતી રીતે બચ્ચા જન્મ્યા અને એક નાનું પ્રાઇડ વિકસ્યું. છેલ્લી વર્ષ ૨૦૨૫ની ગણતરી મુજબ બરડામાં કુલ ૧૭ સિંહોની હાજરી નોંધાઈ હતી. આ પ્રમાણને આધારે બરડાને પ્રોજેક્ટ લાયન હેઠળ સેટેલાઈટ પોપ્યુલેશન – ૮ તરીકે જાહેર કરવામાં આવ્યું, જે સંપૂર્ણ રીતે રક્ષિત વિસ્તારમાં (Protected Area) વસેલી પહેલે સેટેલાઈટ વસાહત બની.
માલધારી સમુદાય અને સહઅસ્તિત્વનું મોડેલ :
અભયારણ્યના આંતરિક વિસ્તારોમાં લગભગ ૧૨૦૦ જેટલા માલધારી પરિવાર આશરે ૬૮ નેસોમાં વસે છે. તેઓ પેઢીદર-પેઢી પશુપાલન અને અનુકૂળ પર્યાવરણીય જીવનશૈલી અપનાવે છે. રબારી, ભરવાડ અને ગઢવી સમુદાયો પણ અહીંના સામાજિક પરિપ્રેક્ષ્યનો ભાગ છે. વનવિભાગ દ્વારા સ્વૈચ્છિક પુનર્વસન અને ઇકો-ડેવલપમેન્ટ કમિટીના માધ્યમથી સ્થાનિક સહભાગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, આજીવિકા, પશુ આરોગ્ય અને જાગૃતિ કાર્યક્રમો અમલી બનાવાયા છે.
વૈજ્ઞાનિક સંરક્ષણ વ્યવસ્થાઓ:
શિકાર પ્રાણીઓની વધારાની વ્યવસ્થા: ચિતલ અને સાંભરના સંવર્ધન માટે અભયારણ્યમાં સંવર્ધન કેન્દ્રો અને તેમના મુક્તિ માટે વ્યવસ્થિત કામગીરી હાથ ધરાઈ છે.
આક્રમક જાતિઓનું નિયંત્રણ: પ્રસોપીસ, લેન્ટેના અને કસિયા ટોરા (ચકુંદા) જેવા ઉપદ્રવી છોડ દૂર કરીને સ્થાનિક ઘાસના મેદાનો પુનઃસ્થાપિત કરવામાં આવે છે.
વાઈલ્ડલાઈફ હેલ્થ મેનેજમેન્ટ :
મોબાઇલ વેટનરી યુનિટ, અલગીકરણ તબક્કા, રેસ્ક્યૂ ટિમો અને નિયમિત આરોગ્ય કેમ્પો દ્વારા વન્યજીવોના આરોગ્યની દેખરેખ રાખવામાં આવે છે.
પ્રોટેક્શન મેજર્સ (Protection measures) : જીપીએસ ટ્રેકિંગ, કેમેરા ટ્રેપ, ડ્રોન નિરીક્ષણ અને રાત્રિ પેટ્રોલિંગ જેવી તકનિકી વ્યવસ્થાઓ વન્યજીવોની દેખરેખ માટે લાગુ કરવામાં આવી છે.
ઇકો-ટૂરીઝમ અને જાહેર જાગૃતિ :
વન વિભાગ દ્વારા શરૂ કરાયેલ બરડા જંગલ સફારી દ્વારા પ્રશિક્ષિત સ્થાનિક માર્ગદર્શકો મુલાકાતીઓને અભયારણ્યનું સંવેદનશીલ અને નિયંત્રિત અન્વેષણ કરાવે છે. મુલાકાતી સુવિધાઓમાં પાર્કિંગ, આરામગૃહ, પીવાનું પાણી અને માહિતી બોર્ડ જેવી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવી છે. આ મોડલ સ્થાનિક લોકો માટે રોજગાર ઊભું કરે છે અને સંરક્ષણ પ્રત્યે જાહેર સહભાગિતાને પ્રોત્સાહન આપે છે.




