
નર્મદા : સક્ષમ શાળા એપ્લિકેશન દ્વારા હાથ ધરાયેલા સર્વે મુજબ 12 પેરામીટર્સમાં 4 – 5 સ્ટાર હાંસલ કરનારી જિલ્લાની 10 શાળાઓને સન્માન
રાજપીપલા : જુનેદ ખત્રી
સમગ્ર શિક્ષા અંતર્ગત શિક્ષણના વિવિધ આયામોને કેન્દ્રમાં રાખીને કાર્ય કરતી નર્મદા જિલ્લાની શ્રેષ્ઠ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને “સક્ષમ શાળા” એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સહકાર ભવન, એકતાનગર ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતાબેન તડવીની અધ્યક્ષતામાં યોજાયો.
સક્ષમ શાળા એપ્લિકેશન દ્વારા હાથ ધરાયેલા બેઝલાઈન સર્વે મુજબ યુનિસેફ દ્વારા નક્કી કરાયેલા 12 પેરામીટર્સમાં 4 સ્ટાર અને 5 સ્ટાર હાંસલ કરનાર 5 જિલ્લા કક્ષાની અને 5 તાલુકા કક્ષાની એવી કુલ 10 શાળાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી.
એવોર્ડ મેળવનાર શાળાના આચાર્યશ્રીઓએ પોતાના અનુભવો પ્રતુત કરી શિક્ષણ કાર્યમાં પ્રગતિશીલ બનવા માટે કરાયેલા પ્રયત્નો અંગે વિગતવાર માહિતી આપી હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિશાંત દવેએ સ્વાગત પ્રવચનમાં સમગ્ર એવોર્ડ પ્રક્રિયા પૂર્વે હાથ ધરાયેલી કામગીરી અને પસંદગીની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી.



