Rajkot: રાજકોટના લોકમેળાનું નામ ‘શૌર્યનું સિંદૂર લોકમેળો-૨૦૨૫’ રખાયું
તા.૯/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
મેળાના નામ માટે ૨૯૫૦ જેટલી એન્ટ્રી આવી હતી
Rajkot: રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં તા. ૧૪ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોથી યોજાતા આ ભાતીગળ લોકમેળાનું નામ આ વખતે ‘શૌર્યનું સિંદૂર લોકમેળો—૨૦૨૫’ રાખવામાં આવ્યું છે.
લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા મેળાના નામ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. રાજકોટવાસીએ ઉત્સાહભેર વિવિધ પ્રકારના નામો મોકલ્યા હતા. જેમાં કલરવ, પારિજાત, વિજય સિંદૂર, અમૃતકુંભ, લોકસંગમ, સપ્તરંગી, રંગ કસુંબલ, વિરાસત, વિજય સ્મૃતિ સહિતના અનેક નામો આવ્યા હતા. લોકમેળાના નામ માટે આશરે ૨૯૫૦ જેટલી એન્ટ્રીઓ આવી હતી. ‘ઓપરેશન સિંદૂર’ બાદ મેળાનું નામ સિંદૂર લોકમેળો રાખવામાં આવે, તેવી લોકલાગણી પણ પ્રવર્તતી હતી.
આખરે લોકમેળાનું નામ રાજકોટના શ્રી ધર્મીબેન વી. ચિકાણી દ્વારા રજૂ કરાયેલ નામના આધારે ‘શૌર્યનું સિંદૂર લોકમેળો—૨૦૨૫’ જાહેર કરવામાં આવ્યું છે.