
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ
મુન્દ્રા,તા.9 ઓગસ્ટ : રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બારોઇના બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા નગરપાલિકા, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ, અને એસ. ટી. ડેપો ખાતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલા દીદીએ રક્ષાબંધનનો સાચો આધ્યાત્મિક અર્થ સમજાવ્યો હતો અને સૌને જીવનમાં સકારાત્મકતા લાવવાનો સંદેશ આપ્યો હતો.
મુન્દ્રા નગરપાલિકામાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રમુખ રચનાબેન પ્રણવભાઈ જોશી સહિત તમામ 35 કર્મચારીઓ અને અધિકારીઓને સુશીલાદીદી દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે રક્ષાબંધનનો અર્થ માત્ર રક્ષાનું બંધન નથી, પરંતુ આસુરી વૃત્તિઓથી મુક્તિ મેળવી દૈવી શક્તિઓનો આવિષ્કાર કરવાનું પણ છે.
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના કાર્યાલયમાં યોજાયેલા કાર્યક્રમમાં સુશીલાદીદીએ શારીરિક બીમારીઓનું મૂળ મન હોવાનું જણાવી રાજયોગ ધ્યાન દ્વારા મનની શક્તિ વધારવા પર ભાર મૂક્યો હતો. તેમણે સૌને નકારાત્મકતા છોડી સકારાત્મક સંકલ્પો સાથે જીવન જીવવા માટે પ્રેરિત કર્યા હતા.
એસ. ટી. ડેપો ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુશીલા દીદીએ રક્ષાબંધનના પ્રતિકાત્મક અર્થ સમજાવતા કહ્યું કે, તિલક એ આત્મસ્મૃતિનું, રાખડી પવિત્રતાનું અને મોં મીઠું કરાવવું એ મધુરતાનું પ્રતીક છે. આ ત્રણેય સ્થળોએ કાર્યક્રમના અંતે, સૌને કોઈ પણ ખરાબ આદત, વ્યસન કે નકારાત્મક સંસ્કારનો ત્યાગ કરવાનો દ્રઢ સંકલ્પ કરાવવામાં આવ્યો હતો અને રાખડી બાંધીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં બ્રહ્માકુમારી હેતલબેન અને બ્રહ્માકુમાર મુકેશભાઈએ પણ સહયોગ આપ્યો હતો.











