Rajkot: થોરાળા ગામના નંદલાલભાઈ ડાભીના થંભી ગયેલા જીવનને ફરીથી કાર્યરત કરતો રાજકોટ સિવિલ હોસ્પિટલનો ઓર્થોપેડીક વિભાગ

તા.૧૦/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન – પ્રિયંકા પરમાર
“આયુષ્માન કાર્ડ” હેઠળ ગોઠણનું સફળતાપૂર્વક ઓપરેશન કરતાં દર્દી નંદલાલાભાઈ ફરીથી પોતાના પગ પર ચાલતા થયા
“ખાનગી હોસ્પિટલનું ઓપરેશન નિષ્ફળ જવાના કારણે મારા પગ થંભી ગયા હતા, પરંતુ આજે સિવિલ હોસ્પિટલના કરાણે મારું રોજિંદુ જીવન ફરીથી શરૂ થયું છે” – દર્દી નંદલાલભાઈ ડાભી
Rajkot: સૌરાષ્ટ્રભરમાંથી લાખોની સંખ્યામાં દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. ખાનગી હોસ્પિટલમાં ખર્ચાળ સારવાર કરાવવાના બદલે દર્દીઓ સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબો પાસે સારવાર લઈને એકદમ સ્વસ્થ થઈને સંતોષ સાથે ડિસ્ચાર્જ થતા હોય છે. આવો જ એક કેસ વિરપુરના થોરાળા ગામના દર્દી નંદલાલભાઈ વેલજીભાઈ ડાભીનો આવ્યો હતો.
આશરે બે વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં નંદલાલભાઈ ડાભીના જમણા પગની તાણીઓ તુટી ગઈ હતી. ખાનગી હોસ્પિટલમાં ખર્ચાળ ઓપરેશન કરાવ્યા બાદ બે વર્ષની અંદર જ પગમાં ઘસારો વધતા તેઓનું ચાલવાનું સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું હતું. જેને લીધે નંદલાલભાઈ તેમના પરિવારજનો સાથે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગના ડો.શ્રીપાલ દોશી પાસે તપાસ કરાતા દર્દીનો ગોઠણથી પગ સાવ છૂટો પડી ગયો હોવાનું સામે આવ્યું હતું.
ડો.શ્રીપાલ દોશીએ દર્દીના ગોઠણની સ્થિતિને જોતા તેમના પરિવારજનોને તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂરીયાત જણાતાં દાખલ થવા જણાવ્યું હતું. નંદલાલભાઈ ઓર્થોપેડીક વિભાગના યુનિટ – ૨માં દાખલ થતાંની સાથે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો.શૈલેષ ડી. રામાવત, હેડ ઓફ યુનિટ ડો.નિકુંજ ડી. મારૂ, એસોસિયેટ પ્રો. ડો.હિમાંશુ પરમાર, આસિસ્ટન્ટ પ્રો. ડો શ્રીપાલ દોશી, ડો.કૃણાલ મિસ્ત્રી તથા રેસિડેન્ટ ડો.સુરેશ સુથાર, ડો.ધીમંત મારવિયા, ડો.વિરલ ગામિત, ડો.અનમોલ મિશ્રા, ડો.અંચિત જૈન, ડો.વિરાજ માંગરોળીયા, ડો.ચિરાગ વાઘેલાની ટીમ દ્વારા નંદલાલભાઈના ગોઠણનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું.
રાજકોટ સિવિલ હોસ્પિટલનો આભાર માનતાં નંદલાલભાઈએ જણાવ્યું હતું કે, રોડ અકસ્માતને કારણે ખાનગી હોસ્પિટલમાં મારા ગોઠણનું ઓપરેશન કરાવ્યું હતું પણ ઓપરેશન સફળ ન જતાં હું ચાલી શકતો નહોતો. બીજા ઉપર આધારિત થતા જીવન નિરર્થક લાગવા લાગ્યું હતું. પરંતુ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને કારણે હું ફરીથી ચાલી શકું છું. જેના કારણે મારા જીવનમાં ફરીથી ખુશી આવી છે. અહીંનો સ્ટાફ પણ ખુબ સહયોગી છે. હોસ્પિટલની સ્વચ્છતાં પણ ખુબ સારી છે. સારવાર દરમિયાન મને ઘર જેવું વાતાવરણ મળ્યું અને આજે મારું રોજિંદુ જીવન ફરીથી શરૂ થઈ ગયું છે. હું ખુદ સિવિલ હોસ્પિટલ ચેકઅપ માટે આવી શકું છું.
દર્દીના પરિવારજનોએ આ ઓપરેશનની સફળતાને ચમત્કાર કહેતાં કહ્યું હતું કે, અમે તો આશા જ મુકી દીધી હતી કે, તેઓ ફરીથી પોતાના પગ ઉપર ચાલી શકશે કે કેમ ? પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલે તેઓને પોતાના પગ ઉપર ફરી ઉભા કરી દીધા છે. ખાનગી હોસ્પિટલમાં આશરે રૂપિયા ત્રણ લાખના ખર્ચે થતું ઓપરેશન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ નિ:શુલ્ક થયું છે. જેના માટે સમગ્ર સિવિલ હોસ્પિટલના આભારી છીએ.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના ખૂણેખૂણેથી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક વિભાગમાં દર્દીઓ બતાવવા આવે છે. તેમજ સૌથી વધારે ઓપીડી ઓર્થોપેડીક વિભાગની ચાલતી હશે. જેમાં મુખ્યત્વે લિગામેન્ટ એટલે કે તાણીયા, મણકા અને ગોઠણને લગતા દર્દીઓનો વધુ સમાવેશ થાય છે. આમ, રાજ્ય સરકારશ્રીની આયુષ્માન કાર્ડ યોજના તથા રાજકોટ સિવિલ હોસ્પિટલના ઉમદા પ્રયાસ અને સચોટ સારવારથી નંદલાલભાઈ ડાભી પોતાના જીવનમાં બંધ થયેલા ખુશીઓના પથ ઉપર ફરીથી ચાલતા થયા છે.




