ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની સફળતા:માંડવી પોલીસ સ્ટેશનના અપહરણ કેસમાં બે વર્ષથી ફરાર આરોપી સગીર બાળકી સાથે ઝડપાયો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે માંડવી (સુરત) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ કેસમાં બે વર્ષથી ફરાર આરોપીને સગીર બાળકી સાથે ઝડપી પાડ્યો છે. આરોપી વિજય ઉર્ફે ફાઉલ રણજીતભાઇ વસાવા (ઉંમર 23) સામે ભારતીય દંડ સંહિતા કલમ 363 અને 366 હેઠળ ગુનો નોંધાયેલો હતો.મૂળ વાલીયા તાલુકાના કોંઢ ખાખરી ફળિયાનો રહેવાસી આરોપી છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો.ભરૂચ જિલ્લામાં ફરાર, વોન્ટેડ અને પેરોલ જમ્પ આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત એલ.સી.બી. પીએસઆઈ આર.કે. ટોરાણીની ટીમે વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓની માહિતી એકત્રિત કરી હતી.
અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ની ટીમને બાતમી મળી હતી કે આરોપી વિજય ઉમરવાડા હનુમાન ફળિયામાં પોતાના બનેવીના ઘરે ભોગ બનનાર સગીર બાળકી સાથે હાજર છે. ટીમે તાત્કાલિક છાપો મારીને આરોપીને બાળકી સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી સામે સી.આર.પી.સી.ની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી માંડવી (સુરત) પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે.