હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લાના 400 જેટલી શાળાઓમાં દેશભક્તિથી ઓતપ્રોત સ્પર્ધાઓનું આયોજન
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ” અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદ ડીપીઇઓ અને ડીઇઓ રૂરલ હસ્તકની 400 જેટલી શાળાઓમાં રંગોળી, ક્વિઝ, પત્રલેખન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના સર્જનાત્મક કૌશલ્ય અને દેશપ્રેમને અનોખી રીતે વ્યક્ત કર્યો હતો. રંગોળી સ્પર્ધામાં તિરંગા, ભારત માતાની પ્રતિકૃતિ અને દેશભક્તિ પ્રેરિત દ્રશ્યો સુંદર રીતે રજૂ થયા હતા. ચિત્ર સ્પર્ધામાં સ્વતંત્રતા સેનાનીઓના જીવન પ્રસંગો, રાષ્ટ્રધ્વજના પ્રતીકો અને દેશના ગૌરવ દર્શાવતા દ્રશ્યો ઊભા કરવામાં આવ્યા હતા.
ક્વિઝ સ્પર્ધામાં ભારતના સ્વતંત્રતા આંદોલન, રાષ્ટ્રીય પ્રતીકો, મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ અને મહાનુભાવોના યોગદાન વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્તમ જ્ઞાન પ્રદર્શિત કર્યું. પત્રલેખન સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા સેનાનીઓને સંબોધિત પત્રો દ્વારા આભાર અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી.
આ કાર્યક્રમોથી શાળાઓમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો અને વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, સામાજિક જવાબદારી અને સ્વચ્છતાપ્રત્યેની જાગૃતિ વધારવાનો સંદેશ વ્યાપકપણે પ્રસરી રહ્યો હતો. આ અભિયાન આગામી 15 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે, જેમાં વધુ શાળાઓ અને સમાજના લોકો જોડાશે એવી અપેક્ષા છે.