
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
કચ્છ,તા.12 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે તાજેતરમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના વધતા વ્યાપારીકરણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ બંને સેવાઓ સામાન્ય માણસની પહોંચ અને આર્થિક ક્ષમતાની બહાર જઈ રહી છે. આ નિવેદન ખરેખર વિચાર માંગી લે તેવું છે, અને તેનો પડઘો ગુજરાતના કચ્છ જેવા વિસ્તારોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે, જ્યાં આ બંને ક્ષેત્રોમાં ગંભીર સમસ્યાઓ ઉભરી રહી છે.
શિક્ષણની કથળતી સ્થિતિ: કચ્છની સરકારી શાળાઓમાં શિક્ષકોની 50%થી વધુ જગ્યાઓ ખાલી છે. આ શિક્ષકોની અછત બાળકોના ભવિષ્યને અંધકારમય બનાવી રહી છે. બીજી તરફ, ખાનગી શાળાઓમાં શિક્ષણ ખર્ચ એટલો વધી ગયો છે કે મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારો માટે પોતાના બાળકોને ભણાવવું એક સ્વપ્ન બની ગયું છે. શિક્ષણ સંસ્થાઓમાં હવે સેવાભાવને બદલે નફાખોરીનો ભાવ પ્રવર્તી રહ્યો છે.
જોકે, આ પરિસ્થિતિમાં કેટલાક સકારાત્મક ઉદાહરણો પણ છે. મુંદ્રા જેવા અમુક તાલુકાઓમાં સર્વ સેવા સંઘ જેવી સંસ્થાઓ પોતાના ખર્ચે શિક્ષકો રાખીને બાળકોને શિક્ષણ આપી રહી છે. પરંતુ, તેની બાજુમાં જ આવેલી માંડવીની એક સંસ્થા, જે પોતાના અને અન્ય તાલુકાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ અને આંગણવાડીઓનું સંચાલન કરે છે અને સરકાર પાસેથી ગ્રાન્ટ પણ મેળવે છે, તે પોતાના તાલુકાના શિક્ષણ પ્રત્યે પણ ઉદાસીન જણાઈ રહી છે. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે આવી સંસ્થાઓ સરકારની ગ્રાન્ટનો લાભ તો લે છે, પરંતુ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં પાછીપાની કરે છે.
આરોગ્ય ક્ષેત્રમાં બેફામ વ્યાપારીકરણ: કચ્છમાં આરોગ્ય ક્ષેત્રમાં સુધારા માટે એક બાહોશ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જે સકારાત્મક પગલાં લઈ રહ્યા છે. તેમ છતાં, વર્ષોથી કાર્યરત ખાનગી દવાખાનાઓ અને હોસ્પિટલો પર તંત્રનો કોઈ અંકુશ જોવા મળતો નથી. આ દવાખાનાઓ પર લોકોની લૂંટ ચલાવવાનો આક્ષેપ થઈ રહ્યો છે. નિયમ મુજબ, ખાનગી હોસ્પિટલોએ દર્દીઓની સારવાર અને નિદાનની માહિતી સરકારી તંત્રને આપવી ફરજિયાત છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં આ નિયમનું પાલન થતું નથી.
વધુ ચોંકાવનારી બાબત એ છે કે કેટલાક ડોકટરો ડિગ્રી મેળવી લીધા બાદ પોતાને કાયદાથી પર માની રહ્યા છે અને તંત્રની નોટિસનો પણ અસ્વીકાર કરી રહ્યા છે. આ ઉપરાંત, અનેક સ્થળોએ ડિગ્રીધારી ડોકટરની ગેરહાજરીમાં ‘જોલા છાપ’ ડોકટરો દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે. એવી પણ શંકા છે કે એક જ ડોકટરના નામે એકથી વધુ દવાખાનાઓ ગેરલાયક વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે. જો આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણી ગેરરીતિઓ બહાર આવે તેમ છે.
આરોગ્ય રક્ષકો જ જો નફાખોરી માટે ભક્ષક બની જાય તો સમાજનું શું થશે? રાષ્ટ્રીય સ્તરે ઉઠાવવામાં આવેલી આ ચિંતાને ધ્યાનમાં રાખીને, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ બંને ક્ષેત્રોમાં સેવાભાવ ફરી સ્થાપિત કરવા અને વ્યાપારીકરણ પર અંકુશ લગાવવા માટે તાત્કાલિક અને યોગ્ય પગલાં ભરવામાં આવે તે સમયની માંગ છે. જાગૃત નાગરિકો આ બાબતે તંત્ર પાસેથી નક્કર કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે.




