સાયબર ક્રાઈમ પોલીસની કામગીરી: ભરૂચની આંગણવાડી કર્મચારીઓને ન્યૂડ વીડિયો કોલથી હેરાન કરનાર પંજાબનો યુવક ઝડપાયો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે આંગણવાડી કર્મચારીઓને ન્યૂડ વીડિયો કોલથી હેરાન કરનાર આરોપીની ધરપકડ કરી છે. આરોપી પંજાબના ફિરોઝપુર જિલ્લાનો રહેવાસી છે. ત્રણ દિવસ પહેલા ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે કોઈ અજાણ્યો વ્યક્તિ દિવસ-રાત દરમિયાન મહિલાઓને ન્યૂડ વીડિયો કોલ કરે છે. આ કારણે મહિલાઓમાં ડર અને માનસિક તણાવ ફેલાયો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.ભરવાડની ટીમે તપાસ હાથ ધરી. કોલ ટ્રેસ કરતાં આરોપીની ઓળખ ગુરજીતસિંહ મહેરસિંહ રાયશીખ (29) તરીકે થઈ. તે ફિરોઝપુરના ચક મેઘા ગામનો રહેવાસી છે. આરોપી નશાની હાલતમાં મહિલાઓના મોબાઇલ નંબર મેળવીને ન્યૂડ વીડિયો કોલ કરતો હતો. પોલીસે પંજાબ જઈને તેની ધરપકડ કરી. આરોપીએ લાંબા સમયથી આંગણવાડી કર્મચારીઓને હેરાન કરવાની કબૂલાત કરી છે. હાલમાં આરોપીની ભરૂચમાં ઓળખ પરેડ કરાવવામાં આવી છે. કોર્ટમાં રિમાન્ડ માટેની કાર્યવાહી ચાલી રહી છે. ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન પ્રમુખ રાગિની પરમાર અને અન્ય મહિલાઓએ પોલીસની ઝડપી કામગીરીની પ્રશંસા કરી છે.