GODHARAGUJARATPANCHMAHAL

ગોધરા ખાતે યોજાનાર ભવ્ય તિરંગા યાત્રામાં નગરજનોને જોડાવા અનુરોધ

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” તેમજ “સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ”ની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અંતર્ગત તિરંગા યાત્રાના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાની સૂચના અનુસાર પ્રાંત અધિકારીશ્રી એન.બી.મોદીની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારીશ્રીની કચેરી, ગોધરા ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી એન.બી.મોદીએ જણાવ્યું હતું કે આગામી તા.૧૩ મી ઓગસ્ટના રોજ બપોર બાદ ૧૬-૦૦ કલાકે ગોધરા ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવશે. આ યાત્રા ગોધરા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ કરી પાંજરા પોળ-ચિત્રા રોડ-વિશ્વકર્મા ચોક-પટેલવાડા-પોલન બજાર-ચોકી નં.૭-ગીદવાણી રોડ-બી ડીવીઝન પોલીસ સ્ટેશનથી પિચ્યુટર ચોક થઈ રામસાગર તળાવ(હોળી ચકલા) ખાતે પૂર્ણ થશે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત યોજાનાર આ યાત્રામાં જિલ્લાના નગરજનોને સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગોધરાના પ્રાંત અધિકારી શ્રી નિરીલ મોદીએ વધુમાં પ્રત્યેક લોકોને તેમના ઘર અને વ્યવસાયના સ્થળે તિરંગાની ગરીમા જળવાઈ રહે તે પ્રમાણે તિરંગાને લહેરાવવા અપીલ કરી હતી. તેમણે વધુમાં harghartiranga.com ઉપર રજીસ્ટ્રેશન કરાવવા માટે પણ નગરજનોને અનુરોધ કર્યો છે.

આ તિરંગા યાત્રામાં પોલીસ, એનસીસી, હોમગાર્ડ, ટીઆરબી જવાનો ઉપરાંત સરકારી અધિકારી/ કર્મચારીઓ, જિલ્લાના પદાધિકારીઓ અને નગરજનો જોડાય તે માટે વિશેષ અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ બેઠકમાં ઉપસ્થિત સબંધીત તમામ વિભાગના અધિકારીઓ-પ્રતિનીધીઓ સાથે કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે ચર્ચા કરી જરૂરી કામગીરી કરવા પ્રાંત અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યા હતાં.

આ બેઠકમાં ચીફ ઓફિસરશ્રી નગરપાલિકા, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત સબંધિત વિભાગના અધિકારી – કર્મચારીઓ હાજર રહ્યા હતાં.

Back to top button
error: Content is protected !!