ગુજકોસ્ટ અને નીતિ આયોગના સંયુક્ત ઉપક્રમે ‘ઈઝ ઓફ ડૂઇંગ રિસર્ચ’ પર બે દિવસીય રિજિયોનલ કન્સલ્ટેટિવ મિટિંગનો પ્રારંભ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ગુજરાત સાયન્સ સિટીમાં ગુજકોસ્ટ અને નીતિ આયોગના સંયુક્ત ઉપક્રમે ‘ઈઝ ઓફ ડૂઇંગ રિસર્ચ’ વિષય પર બે દિવસીય રિજિયોનલ કન્સલ્ટેટિવ મિટિંગની પાંચમી આવૃત્તિનો પ્રારંભ થયો. દેશના વિવિધ રાજ્યોમાંથી 100 જેટલા વાઇસ ચાન્સેલર, ડાયરેક્ટર, વિભાગ વડા અને રિસર્ચ ક્ષેત્રના નિષ્ણાતોએ હાજરી આપી.
ઉદ્ઘાટન પ્રસંગે ઓનલાઈન જોડાયેલા CSIRના પૂર્વ ડીજી ડૉ. રઘુનાથ માશેલકરે જણાવ્યું કે ભારત રિસર્ચ, ઇનોવેશન અને ડેવલપમેન્ટ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ હજુ પડકારો બાકી છે. તેમણે રિસર્ચ પબ્લિકેશન પ્રોડક્ટિવિટી, ડિજિટલાઇઝેશન, ઉદ્યોગસાહસિકતાના અવરોધો અને પ્રતિભા જાળવી રાખવાના મુદ્દાઓ પર ભાર મૂક્યો.
ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સેક્રેટરી પી. ભારતી એ ડૉ. વિક્રમ સારાભાઈની 106મી જન્મજયંતિ નિમિત્તે તેમના યોગદાનને યાદ કરતાં જણાવ્યું કે ‘ઈઝ ઓફ ડૂઇંગ રિસર્ચ’ જેવા કાર્યક્રમો રિસર્ચ ઈકો સિસ્ટમને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સરકારે વિજ્ઞાન, ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.
SAC-ISROના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ ડૉ. વિક્રમ સારાભાઈના વિજ્ઞાન અને ટેક્નોલોજીના સમાજકલ્યાણ માટેના પ્રયત્નોને યાદ કર્યા. તેમણે નેશનલ સ્પેસ ડે અંતર્ગત શરૂ થયેલા 12 દિવસીય અંતરિક્ષ વિજ્ઞાન આઉટરિચ પ્રોગ્રામની માહિતી પણ આપી.
નીતિ આયોગના સિનિયર એડવાઇઝર પ્રો. વિવેકકુમાર સિંઘે મિટિંગની મહત્વતા વિશે વાત કરતાં જણાવ્યું કે આવા કાર્યક્રમો થકી ગ્રાઉન્ડ લેવલના પડકારો ઓળખી યોગ્ય નીતિ ઘડતરની પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે. તેમણે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતની પ્રગતિ, સ્ટેટ યુનિવર્સિટીમાં રિસર્ચ કલ્ચર સુધારણા અને પ્રોજેક્ટ લાઇફ સાયકલ મેનેજમેન્ટ માટે યુનિફાઇડ પોર્ટલ અંગે માહિતી આપી.
ગુજકોસ્ટના એડવાઇઝર ડૉ. નરોતમ સાહુએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે આ મિટિંગથી વધુ યુવાઓને રિસર્ચ ક્ષેત્રે જોડવા અને એન્ટ્રી સરળ બનાવવા માટે મહત્વના સૂચનો મળશે.
બે દિવસીય કાર્યક્રમ દરમિયાન વિવિધ ચર્ચા સત્રો યોજાશે જેમાં વિકસિત ભારતના નિર્માણમાં રિસર્ચના યોગદાન અને રિસર્ચ ઈકો સિસ્ટમને મજબૂત બનાવવા અંગે હકારાત્મક ચિંતન-મનન થશે. કાર્યક્રમમાં સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વી.કે. પટેલ સહિત દેશભરના રિસર્ચ સંસ્થાઓના પ્રતિનિધિઓ, ગુજકોસ્ટ અને સાયન્સ સિટીના અધિકારીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા.