Rajkot: ૧૩મી ઓગસ્ટ -‘વિશ્વ અંગદાન દિવસ’: આ વર્ષની થીમ છે ‘સાદને પ્રતિસાદ’

તા.૧૨/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખનઃ સંદીપ કાનાણી
ગુજરાતમાં સાત વર્ષમાં બે હજારથી વધુ અંગોના દાન થયાં
અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતને ત્રણ એવોર્ડ્સ મળ્યા
Rajkot: ‘અંગદાન એ મહાદાન છે. એક વ્યક્તિ અંગદાન થકી અન્યોને નવજીવન આપી શકે છે.’ અંગદાન વિશે જાગૃતિ લાવવા અને તેને પ્રોત્સાહન આપવાના હેતુથી, વિશ્વભરમાં ૧૩મી ઓગસ્ટ ‘વિશ્વ અંગદાન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. વર્લ્ડ ઓર્ગન ડોનેશન એન્ડ ટ્રાન્સપ્લાન્ટ એલાયન્સ દ્વારા આ વર્ષના ‘વિશ્વ અંગદાન દિવસ’ની થીમ ‘Answering the Call’ એટલે કે (અંગદાનના) ‘સાદને પ્રતિસાદ’ જાહેર કરવામાં આવી છે.
અંગદાન મુખ્યત્વે બે પ્રકારના હોય છે: જીવંત અંગદાન અને મૃત અંગદાન. જીવંત અંગદાનમાં કોઈ વ્યક્તિ પોતાના પરિવારના સભ્ય, મિત્ર અથવા ભાવનાત્મક રીતે જોડાયેલી અન્ય કોઈ વ્યક્તિને પોતાના અંગનો ભાગ દાન કરી શકે છે, જેમ કે કિડનીનો એક ભાગ કે લીવરનો અમુક હિસ્સો. આ માટે દાતાની સંપૂર્ણ સ્વસ્થતા અને ઉંમરનું ધ્યાન રાખવામાં આવે છે. ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિએ અંગદાન માટે માતા-પિતા કે વાલીની સંમતિ લેવી ફરજિયાત છે.
જ્યારે મૃત અંગદાન એ એવી પરિસ્થિતિમાં થાય છે જ્યારે કોઈ વ્યક્તિ ‘બ્રેઈન ડેડ’ની સ્થિતિમાં હોય. આ કિસ્સામાં તેના હૃદય, લીવર, કિડની, ફેફસાં અને સ્વાદુપિંડ જેવા મહત્વપૂર્ણ અંગોનું દાન થઈ શકે છે. એક બ્રેઈડ ડેડ વ્યક્તિના અંગોના દાનથી આઠ લોકોને નવું જીવન આપી શકાય છે.
જ્યારે કોઈ વ્યક્તિનું કુદરતી મૃત્યુ થાય, ત્યારે કોર્નિયા, હાર્ટ વાલ્વ, ચામડી અને હાડકાં જેવી પેશીઓનું દાન શક્ય છે. અંગદાન માટે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઉંમર, જાતિ કે ધર્મના ભેદભાવ વિના નોંધણી કરાવી શકે છે.
ગુજરાત એ દાનવીરોની ભૂમિ કહેવાય છે અને રાજ્યમાં અંગદાનને પ્રોત્સાહન આપવામાં આવે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના માર્ગદર્શનમાં રાજ્યનો આરોગ્ય વિભાગ અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં SOTTO (સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન)ની રચના કરવામાં આવી છે. જેના દ્વારા અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે વિશેષ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા. જેના કારણે છેલ્લા સાત વર્ષમાં ગુજરાતમાં કુલ ૬૫૭ અંગદાતાઓ દ્વારા ૨૦૩૯ અંગોનું દાન પ્રાપ્ત થયું છે. જેમાં ૧૧૩૦ કિડની, ૫૬૬ લીવર, ૧૪૭ હૃદય, ૧૩૬ ફેફસાં, ૩૧ હાથ, ૧૯ સ્વાદુપિંડ અને ૧૦ નાનાં આંતરડાંનો સમાવેશ થાય છે. આ અંગોના દાનથી હજારો લોકોના જીવન બચાવવામાં મદદ મળી છે.
તાજેતરમાં બીજી ઑગસ્ટના રોજ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડાજીના હસ્તે ગુજરાતને અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ત્રણ-ત્રણ એવોર્ડ્સ એનાયત થયા છે. જેમાં રાજ્ય સરકારને ‘એક્સલન્સ ઇન પ્રમોશન ઓફ ઓર્ગન ડોનેશન’, ન્યૂ સુરત સિવિલ હોસ્પિટલને ‘બેસ્ટ નોન-ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર’ અને અમદાવાદની કિડની ઈન્સ્ટિટ્યૂટને ‘ટ્રાન્સપ્લાન્ટ કરતી દેશની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ’ તરીકે એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિઓ ગુજરાતમાં અંગદાનના ઉમદા કાર્યને વેગ આપવા માટે સરકાર અને સામાજિક સંસ્થાઓના સતત પ્રયાસોનું પરિણામ છે.
અંગદાનની પ્રક્રિયામાં ટેકનોલોજી અને તબીબી સુવિધાઓનો મોટો ફાળો છે. અમદાવાદ સિવિલ ખાતે કાર્યરત SOTTO (State Organ and Tissue Transplant Organisation) કેન્દ્ર અંગદાનનું રજિસ્ટ્રેશન અને અંગોનું યોગ્ય ટ્રાન્સપ્લાન્ટેશન થાય તેના માટે કામ કરે છે. જરૂરી અંગોને ‘ગ્રીન કોરિડોર’ દ્વારા હવાઈ માર્ગે સમયસર હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે, જેથી કોઈ પણ અંગનો દુરુપયોગ ન થાય.
અંગદાન એ માત્ર એક દાન નથી, પરંતુ એક જીવનદાન છે. તે એક જીવ થકી અન્ય જીવોને બચાવવાનું મહાન કાર્ય છે. આજે પણ સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધાને કારણે ઘણા લોકો અંગદાનથી દૂર રહે છે. આ ગેરમાન્યતાઓ દૂર કરીને વધુમાં વધુ લોકોને અંગદાન માટે પ્રેરિત કરવા એ સમયની જરૂરિયાત છે.





