GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ “શૌર્યનું સિંદુર” લોકમેળા-૨૦૨૫માં ભીડ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધનની તાલીમ યોજાઇ

તા.૧૨/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

હેમુ ગઢવી હોલ ખાતે “ક્રાઉડ મેનેજમેન્ટ” વર્કશોપમાં જિલ્લાના અધિકારીશ્રીઓ જોડાયા

ડિઝાસ્ટર મેનેજમેન્ટના તજજ્ઞોએ આપત્તિ વખતે ક્ષમતાવર્ધન અંગે તાલીમ આપી

“ચોકસાઈ સાથે કામ કરવાથી દુર્ઘટનાને ટાળી શકાય છે.”: કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશ

Rajkot: દર વર્ષે રાજકોટ શહેર ખાતે જન્માષ્ટમી નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૧૪થી ૧૮ ઓગસ્ટ દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે “શૌર્યનું સિંદૂર-૨૦૨૫” લોકમેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ લોકમેળામાં ઉમટી પડનારા માનવ મહેરામણનાં નિયમન કરવાના આશયથી રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનનાં સંયુક્ત ઉપક્રમે તાલીમ અને માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો. આ તાલીમનો શુભારંભ જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાયો હતો.

આ તકે કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રનું હબ એટલે રાજકોટ શહેર અને આ શહેરમાં રેસકોર્સ ખાતેના લોકમેળામાં અનેક લોકો મેળો માણવા આવે છે. આવા સમયે જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે રહી જરૂરી વ્યવસ્થાઓ પર કામ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, લોકમેળામાં ફરજ પર હોય તેવા તમામ કર્મચારીઓએ મેળા દરમિયાન ભૂતકાળમાં બનેલી ધ્યાન રાખવા જેવી બાબતોની માહિતી વહીવટી તંત્રને આપવી, જેથી આ ઘટનાઓમાંથી શીખ લઇ અને ચોકસાઈ સાથે કામ કરવાથી દુર્ઘટના ટાળી શકાઈ તથા લોકમેળાનું વ્યવસ્થાપન વધુ સુદ્રઢ કરી શકાય. મેળામાં વિશાળ જનમેદનીના કારણે નેટવર્ક ખોરવાઇ જતું હોવાથી ફરજ પર રહેલા અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓને સંપર્ક માટે જરૂરી વી.એચ.એફ.સેટ આપવામાં આવે છે તેનાં ઉપયોગ બાબતે સૌને માહિતગાર કરવા, ઇવેક્યુએશન પ્લાન, મોકડ્રિલ, ફાયર અને ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા મેળા અગાઉ રિહર્સલ કરવામાં આવશે તેમ જણાવી કલેક્ટરશ્રીએ ડ્રોન, સી.સી.ટી.વી. ફૂટેજથી મેળા પર સતત નજર રાખવામાં આવશે, તેમ ઉમેર્યું હતું.

આ અવસરે ડી.સી.પી. ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે મેળામાં કાયદો અને વ્યવસ્થા અંગેની ઝીણવટભરી માહિતી આપતા જણાવ્યું હતું કે, ક્રાઉડ મેનેજમેન્ટ એ ખૂબ જ પડકારરૂપ છે. ભીડ વ્યવસ્થાપનમાં સુચારૂ આયોજન જરૂરી છે. “શૌર્યનું સિંદૂર લોકમેળા”માં લોકોનાં વ્યવસ્થાપન સાથે વાહન પાર્કિંગની સુવિધામાં કોઇ તકલીફ ઉભી ન થાય તે બાબત પણ સુનિશ્ચિત કરવામાં આવશે. ઉપરાંત, સલામતીને લગતાં પોસ્ટર્સ પણ લગાવવામાં આવશે. મેળામાં જનમેદની વધી જાય તો તેને ડાયવર્ટ કરવા વોચ ટાવર પરથી સતત નજર રાખવામાં આવશે. એમ્બ્યુલન્સ સેવાઓ માટે ચોક્કસ રસ્તો નિયત કરવો અથવા વૈકલ્પિક વ્યવસ્થા માટે જરૂરી કામગીરી કરવામાં આવશે. સેમિનારમાં ઉપસ્થિત તજજ્ઞોએ ઉપસ્થિત અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓને ક્રાઉડ મેનેજમેન્ટ બાબતે વિશેષ માહિતી આપી હતી. જેમાં સિવિલ ડિફેન્સ ઇન્સ્ટ્રક્ટર અને માસ્ટર ટ્રેનર્સ શ્રી જયેશભાઈ વેગડા, વોર્ડન સિવિલ ડિફેન્સ શ્રી જીગીષાબેન બિહોલા અને ટ્રેનીંગ ઇન્સ્ટ્રક્ટર અને ફાયર સેફ્ટી ઓફિસરશ્રી ગજેન્દ્રસિંહ બિહોલાએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી લોકમેળામાં વિશાળ જનમેદનીનાં સુચારૂ આયોજન અને વ્યવસ્થાપન અંગે માહિતી આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, મેળામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, ત્યારે આ પ્રકારનાં સ્થળો પર આપત્તિ કે કોઈ અનિચ્છનીય ઘટનાઓ બનવાની સંભાવનાઓ પણ રહેલી હોય છે. આ સમયે વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ સહિત સંબંધિત વિભાગોના કર્મચારીઓએ ડિઝાસ્ટર સંબંધિત કૌશલ્ય તાલીમ મેળવેલી હોય તો પૂર્વ આયોજન થકી આવી ઘટનાઓને બનતા પહેલા જ રોકી શકાય તથા જાનહાની ટાળી શકાય. તજજ્ઞોએ લોકમેળામાં ભીડ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધન અંગે વિવિધ ઉદાહરણ અને ઉપસ્થિતો સાથે સંવાદ સાધીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું

આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી એ.કે.ગૌતમે શાબ્દિક સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નાયબ મામલતદારશ્રી સોનલબેન ત્રિવેદીએ કર્યું હતું.

આ તાલીમમાં સનદી અધિકારીશ્રી વૃશાલી કાંબલે, ડી.સી.પી. ઝોન-૨ શ્રી જગદીશ બાંગરવા, પ્રાંત અધિકારીશ્રી ચાંદની પરમાર, એ.સી.પી.શ્રી રાધિકા ભારાઈ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના મામલતદારશ્રી મીરા જાની, અન્ય મામલતદારશ્રીઓ, માર્ગ અને મકાન, ફાયર, આરોગ્ય, પોલીસ સહિતનાં સંબંધિત વિભાગોનાં અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!