સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણામાં ત્રિ-દિવસીય રાષ્ટ્રવાદી કાર્યક્રમોની ધામધૂમથી ઉજવણી કરાઇ.
તિરંગા યાત્રાથી સમગ્ર ગામ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયુ.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૧૩ ઓગસ્ટ : ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણામાં આચાર્યશ્રી ડૉ. વી.એમ. ચૌધરી સાહેબની પ્રેરણાથી તેમજ તમામ ગુરુજનોના માર્ગદર્શન હેઠળ ત્રિ-દિવસીય રાષ્ટ્રવાદી રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાના ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લઈ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયા.
તા. ૧૧મી ઓગસ્ટના પ્રથમ દિવસે દિપ પ્રાગટ્ય અને માં શારદે તેમજ માં ભારતી વંદના કરી દેશભક્તિના ગીતો તથા “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” થીમ પર વક્તૃત્વ સ્પર્ધાઓ યોજવામાં આવેલ હતી. બીજા દિવસે રાષ્ટ્રવાદી રંગોળી તેમજ તિરંગા થીમ પર આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્પર્ધાઓ યોજાઈ, જેમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો. દરેક સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓની ઘોષણા આચાર્યશ્રીએ કરેલ હતી. તમામ સ્પર્ધાઓના નિર્ણાયક તરીકે શાળાના શિક્ષકો અલ્પેશભાઈ જાની, આશાબેન પટેલ, અલ્પાબેન ગોસ્વામી, રમેશભાઈ ડાભી, ભૂમિબેન વોરા, અલ્પાબેન બુચિયા, કિશનભાઇ પટેલ અને કૃષ્ણાબેન મહેશ્વરીએ સેવાઓ આપેલ હતી. કાર્યક્રમનુ સંચાલન શાળાની વિધાર્થીનીઓ કંચન ગરવા તેમજ ખતુબાઈએ કરેલ હતુ.ત્રીજા દિવસે રાષ્ટ્રપ્રેમથી ભરપૂર સમગ્ર ગામ અને ગ્રામવાસીઓને જોડતી શિસ્તબદ્ધ અને સંગીતમય તિરંગા યાત્રા, રાષ્ટ્રવાદી નારાઓના ગુંજારા સાથે ગામની ગલીઓમાંથી પસાર થયેલ હતી. વિવિધ વેશભૂષામાં આવેલ વિદ્યાર્થીઓ ગ્રામજનો માટે આકર્ષણનુ કેન્દ્ર બનેલ હતા. આ યાત્રામાં શાળાના એસ.પી.સી. અને એન.એસ.એસ. કેડેટ્સ, અન્ય વિદ્યાર્થીઓ, ગામના સરપંચ શ્રી એન.ટી.આહિર, પોલીસ મિત્રો, અગ્રણીઓ, વડીલો તથા રાષ્ટ્રપ્રેમીઓ ઉત્સાહભેર જોડાયેલ હતા. તિરંગા યાત્રાના સંકલનનું કાર્ય એસ.પી.સી. કોમ્યુનિટી પોલીસ ઓફિસર અલ્પેશભાઈ જાની તથા એન.એસ.એસ. ઓફિસર રમેશભાઈ ડાભીએ સંભાળેલ હતુ.
સમગ્ર ત્રિ-દિવસીય રાષ્ટ્રવાદી કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ હતી.








